Jamnagar,તા ૨૫
જામનગરના કુખ્યાત દિવલા ડોન સામે રાંદલ નગર વિસ્તારમાં એક મહિલાએ ધારિયા વડે હુમલો કર્યા ની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે, અને ફરાર થઈ ગયેલા આરોપીને પોલીસ શોધી રહી છે, ત્યાં માત્ર ૨૪ કલાકના સમય ગાળામાં તેણે ફરી પોત પ્રકાશયું છે, અને મહાકાળી સર્કલ નજીક આવેલી એક નોનવેજની રેકડીએ હંગામા મચાવ્યો હતો. રેકડી બંધ કરીને જઈ રહેલા પિતા પુત્ર ને દબાણ કરીને ફરીથી રેકડી શરૂ કરવા અને નાસ્તો આપવાનું જણાવી હંગામો મચાવ્યો હતો, અને ધોકા વડે હુમલો કરી ફ્રેક્ચર સહિતની ઈજા પહોંચાડી હતી. જે હુમલાના બનાવ બાદ પોલીસ આરોપીઓને શોધી રહી છે.
જામનગરમાં યાદવ નગર વિસ્તારમાં રહેતા અને નોનવેજ ની રેકડી ચલાવતા ગોવિંદભાઈ રામનાથ ગોડ (૪૯) ,કે જે ગઈકાલે મહાકાળી સર્કલ વિસ્તારમાં આવેલી પોતાની નોનવેજ ની રેકડી બંધ કરીને પુત્ર વિપુલ સાથે ઘર તરફ જઈ રહ્યા હતા, દરમિયાન રાત્રિના પોણા બારેક વાગ્યાના અરસામાં દિવલો ડોન પોતાના સાગરીત સુનિલ માણેક શમીર, તથા અન્ય એક સાગરિત સાથે મળી નાસ્તો કરવા માટે આવ્યો હતો, અને ચારેય લોકોએ બંધ કરેલી રેકડી ને ફરીથી ખોલીને નાસ્તો આપવા જણાવ્યું હતું.
જેથી તે રેકડી ધારક ગોવિંદભાઈ અને તેના પુત્ર વિપુલે ફરીથી રેકડી ખોલવાની ના પાડતાં ચારેય શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા, અને લાકડાના ધોકા વડે પિતા પુત્ર ઉપર હુમલો કરી દીધો હતો. જેમાં રેકડી ધારક ગોવિંદભાઈ ને હાથમાં ફેક્ચર સહિતની ઈજા થઈ હતી, અને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર લેવી પડી હતી.
આ હુમલા ના બનાવ અંગેની જાણ થતાં સીટી સી. ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર આર. કે. ખલીફા બનાવના સ્થળે તેમજ જી.જી. હોસ્પિટલ દોડી ગયા હતા, અને ગોવિંદભાઈ ની ફરિયાદ ના આધારે આરોપી દિવલા ડોન, સુનિલ માણેક, સમીર અને તેના એક અન્ય સાગરીત સામે ગુનો નોંધ્યો છે, અને તેઓની શોધ ખોળ હાથ ધરી છે.