Anand,તા.06
આણંદ જિલ્લા કલેક્ટરે સરકારી જમીન પરના દબાણો દૂર કરવા સૂચના આપતા આખરે પાલિકા તંત્ર જાગ્યું હતું. પાલિકાની ટીમો દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે અમીન ઓટોથી લોટિયાભાગોળ સુધીમાં કાચા-પાકા દબાણો ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. ૩૦થી વધુ દબાણો દૂર કરાતા રોડ ૮૦ ફૂટનો થયો હતો.
આણંદના અમીન ઓટો માર્ગ ઉપર કેટલાક પરિવારો અને દુકાનદારો દ્વારા વર્ષોથી ગેરકાયદે દબાણ કરવામાં આવ્યું છે. દબાણના કારણે તંત્રએ ઓવરબ્રિજ બનાવવાની કામગીરી બંધ રાખવાની ફરજ પડી છે. આ સમગ્ર મામલે જિલ્લા કલેક્ટરને જાણ થતાં તેમણે શહેરના તમામ દબાણો દૂર કરવા આદેશ આપ્યા છે.
જેથી પાલિકાની દબાણ વિભાગની ટીમોએ પોલીસ બંદોબસ્ત સાથે ગુરૂવારે લોટિયા ભાગોળથી અમીન ઓટો, મોગરી રોડ, ફાયર સ્ટેશન રોડ, રાજપથ માર્ગ સહિતના અન્ય માર્ગો પર કાચા-પાકા દબાણો ઉપર બૂલડોઝર ફેરવ્યા હતા. તેમજ ૧૫થી વધુ લારીઓ જપ્ત કરવામાં આવી હતી.
પાલિકાએ ૩૦થી વધુ દબાણો દૂર કરતા અમીન ઓટોથી લોટિયાભાગોળ સુધીનો રોડ ૮૦ ફૂટનો થઈ જતાં ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ આવે તેવી શક્યતા સેવાઈ રહી છે.