Ahmedabad, તા.10
ગુજરાતમાં નવા વાયરસ એચએમપીવીના કેસ વધવા લાગ્યા હોય તેમ નવા બે કેસ નોંધાયા છે. અમદાવાદમાં 80 વર્ષના વૃધ્ધનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. ઉપરાંત સાબરકાંઠામાં સાત વર્ષના બાળકનો પણ રીપોર્ટ પોઝીટીવ આવતા આરોગ્ય વિભાગ એલર્ટ બન્યું છે.
અમદાવાદમાં વસ્ત્રાપુરમાં રહેતા 80 વર્ષિય વૃધ્ધને શંકાસ્પદ લક્ષણો સાથે મંગળવારે હોસ્પીટલમાં ખસેડાયા હતા. એચએમપીવીનો ટેસ્ટ કરાતા રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો, તેઓને કેટલાક સમયથી અસ્થમાની બિમારી હતી.
તેઓની વિદેશ કે અન્ય ટ્રાવેલ હિસ્ટ્રી નથી. દેશમાં અત્યાર સુધી નોંધાયેલા આ વાયરસના કેસો મોટાભાગે બાળકો જ હતા. પ્રથમ વખત વૃદ્ધિ સંક્રમિત બન્યાનો કેસ નોંધાયો છે.
આ ઉપરાંત સાબરકાંઠાના પ્રાંતિજમાં સાત વર્ષના બાળકનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. ત્રણ દિવસ પહેલા તેને તાવ, શરદી, ઉધરસ હોવાથી નિદાન માટે બેબીકેર હોસ્પીટલમાં દાખલ કરાયો હતો.
એચએમપીવીનો રીપોર્ટ કરાવાતા તે પોઝીટીવ આવ્યો હતો. તબીબોએ કહ્યું કે બાળકને દાખલ કરાયો ત્યારે તેને શ્ર્વાસ લેવામાં તકલીફ હતી. હાલ તે આઇસીયુમાં વેન્ટીલેટર છે અને પરિસ્થિતિ ગંભીર છે.