કોઠારીયા વિસ્તારની યુવતીની ફરિયાદ પરથી ગોંડલના જયેશ બારૈયાની ધરપકડ
Rajkot,તા.03
શહેરના કોઠારીયા વિસ્તારમાં રહેતી બ્યુટીશ્યન યુવતીના નામનું ઇન્સ્ટા આઈડી બનાવી કાકાને બેફામ ગાળો ભાંડનાર ગોંડલના જયેશ બારૈયા નામના શખ્સની ધરપકડ કરી કાર્યવાહી કરી હતી.
બનાવ અંગે કોઠારીયા ચોકડી પાસે રહેતી ૨૧ વર્ષીય યુવતીએ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે ઇન્સ્ટાગ્રામ આઈડી ધારકનું નામ આપતાં સાયબર ક્રાઈમની ટીમે ગુનો નોંધી તપાસ આદરી હતી.
બનાવ અંગે વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેણી પાર્લરમાં નોકરી કરે છે અને તેણી ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટસએપ જેવી એપ્લીકેશન વાપરે છે.
ગઇ તા.૨૩/૦૩/૨૦૨૫ ના તેણીના કુટુંબી કાકાનો ફોન આવેલ કે, ગઈ તા.૨૦/૦૩/૨૦૨૫ ના કોઈ અજાણી વ્યક્તિએ ઇન્સ્ટાગ્રામ આઇ.ડી. pagal lover748 ઉપરથી તારા નામથી મારી સાથે ચેટ કરી અને તારો ફોટો મોકલી તારા નામથી મને ગાળો આપેલ છે. તેમજ ઇન્સ્ટાગ્રામ આઈડી krishna121566 તથા kisurajput.12 પરથી તારી પિતરાઈ બહેનના નામથી મારી સાથે ચેટ કરી તારી બહેનનો ફોટો મોકલી તેણીના નામથી ગાળો આપેલ છે.તેમ કુટુંબી કાકાએ વાત કરતા ખબર પડેલ કે, કોઇ અજાણી વ્યક્તિ દ્વારા તેણીના અને તેમના કાકાની પુત્રીના નામથી તેના કાકા સાથે વાત કરી ગાળો આપેલ હોય જેથી સાયબર હેલ્પ લાઇન અરજી કરી હતી. જે અરજીના અનુસંધાને સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
જે અંગેની ફરિયાદ પરથી સાયબર ક્રાઇમ પોલીસ મથકના પીઆઇ જે.એમ કૈલા અને ટીમે તપાસનો ધમધમાટ આદરી આરોપી જયેશ બારૈયા (રહે. ગોંડલ) નામના શખ્સને દબોચી લઈ સઘન પૂછતાછ આદરી હતી. પ્રાથમિક તપાસમાં ફરિયાદી અને આરોપી બંને દૂરના સગા થતા હોય અને પારિવારિક પ્રશ્ન ઉભો થતાં આરોપીએ કૃત્ય કર્યાનું સામે આવ્યું છે.