Tehran,તા.08
અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ અને બીજી તરફ ઈરાનના સર્વોચ્ચ ધાર્મિક વડા આયાતોલ્લા ખામેનેઈની અંતિમવિધિમાં દ્રશ્યો વચ્ચે હોર્મુઝ જળમાર્ગમાં પસાર થઈ રહેલા ત્રણ વ્યાપારીક જહાજો પર ઈરાનના હુમલા બાદ તુર્તજ અમેરિકાએ `શિક્ષા’ના પગલા તરીકે ઈરાનના કેશમ દ્વીપ અને સિરિક પોર્ટ પર ઈરાનના સૈન્ય મથકોને નિશાન બનાવતા 80 જેટલા હુમલા કર્યા હતા.
તેની સાથે જ ઈરાનને તેનું ક્રુડતેલ વેચવાની સંમતિ આપી હતી તે લાયસન્સ પણ પાછુ ખેચી લેતા ફરી ક્રુડતેલમાં નવા ભડકાના સંકેત છે. ઈરાને પણ અમેરિકી હુમલાના જવાબમાં ગલ્ફમાં અમેરિકી મથકો પર હુમલા કરતા યુદ્ધ વિરામ તુટી પડવાના સંકેત છે.
બ્રીટીશ મેરીટાઈમ સિકયોરિટી એજન્સીના જણાવ્યા મુજબ હોર્મુઝમાંથી પસાર થઈ રહેલા તેના ઓઈલ ટેન્કર પર અજાણ્યા ક્ષેત્રમાંથી મિસાઈલ હુમલો થયો જેના કારણે ટેન્કરમાં આગ લાગી હતી. અગાઉ પણ બે ટેન્કર પર આ રીતે હુમલા થયા.
જેમાં એક ડ્રોન હુમલો હતો. ગલ્ફ ઓફ ઓમાન પાસે જ આ હુમલા થયા હતા. કતારે પણ ફરિયાદ કરી છે કે તેના એક પ્રવાહી ગેસ ટેન્કર પર હુમલો થયો છે અને અમેરિકી સૈન્ય પ્રવકતાએ દાવો કર્યો કે આ હુમલા ઈરાન તરફથી હતા.
ઈરાને આ હુમલા થયાનું નકારતા કહ્યું કે અમો યુદ્ધ વિરામ માટે પ્રતિબદ્ધ છીએ પણ હોર્મુઝમાં જે વ્યાપારી જહાજો ઈરાની સતાવાળાઓ સાથે સંકલન કરી પસાર થતા નથી તેની સામે પગલા લેવાશે.
બીજી તરફ ઈરાને હુમલા કર્યા છે તેમાં દાવા સાથે અમેરિકી દળોએ કેશમ દ્વીપ તથા સિરિક પોર્ટ સહિત 80 સ્થળોએ ઈરાન પર હુમલા કર્યા છે અને સૈન્ય મથકોને નિશાન બનાવ્યા હતા. ઈરાને પણ ફકત ગલ્ફમાં હુમલા કરી જવાબ આપ્યા હતા. ઈરાનના બંદર અબ્બામ સહિતના ક્ષેત્રમાં પણ ભારે વિસ્ફોટના અવાજ સંભળાયા હતા.
હજું તહેરાનમાં ખામેનેઈની અંતિમ યાત્રાનો શોક ચાલુ છે. તે સમયે જ આ પ્રકારના હુમલા થયા છે અને તહેરાનમાં ફરી યુદ્ધનો ભય જેવો માહોલ બન્યો છે. અગાઉ જ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જો ઈરાન સમજુતી નહી કરે તો ફરી ઈરાનના બ્રિજ ઉડાડવાનું તેલ મથકો ખત્મ કરવાની ધમકી આપી હતી.
ઈરાને ધમકીઓ ચાલુ રહી તો વાટાઘાટ નહી થાય તેવી વળતી ધમકી આપી હતી. અમેરિકી પ્રમુખે ઈરાનને તેનું ક્રુડતેલ વેચવા પર જે પ્રતિબંધ દુર કરીને લાયસન્સ આપ્યુ હતું તે રદ કર્યુ છે. જેથી ફરી ક્રુડતેલ બજાર સળગી ઉઠશે તેવા સંકેત છે.

