New Delhi,તા.09
ભારતમાં ડિજીટલ બેન્કીંગ સહિતના વધતા જતા બેન્કીંગ વ્યવહારોમાં ગ્રાહકને દરેક લેવડદેવડ કે બેન્ક સાથે જોડાયેલા એલર્ટ એસએમએસથી મોકલવામાં આવે છે. જેના પર બેન્કો દર ત્રણ માસે ગ્રાહક પાસેથી એસએમએસ ચાર્જ વસુલે છે પણ રિઝર્વ બેન્કે તા.24 જૂનના એક આદેશમાં હવે બેન્કો આ પ્રકારના કોઈ એસ.એમ.એસ. ચાર્જ વસુલી શકશે નહી તેવો આદેશ આપતા બેન્કો પર વર્ષે રૂા.300 કરોડ જેટલું ભારણ વધી જશે.
બેન્કો ગ્રાહક પાસેથી આ પ્રકારે દર ત્રણ મહિને રૂા.15-18 કે તેથી વધુ જે એસએમએસ ચાર્જ વસુલે છે તેના પર રોક આવી ગઈ છે. જો કે તેની સાથે રિઝર્વ બેન્કે રૂા.500 સુધીના વ્યવહારમાં એસએમએસ મોકલવા કે નહી તે બેન્કો માટે વૈકલ્પિક કરી દીધુ છે એટલે કે રૂા.500થી વધુના વ્યવહારોના એસએમએસ મોકલવાનું ફરજીયાત છે જે વ્યવસ્થા યથાવત રહેશે તથા તેમાં બેન્કો કોઈ ચાર્જ વસુલી શકશે નહી.
આ પ્રકારના ટ્રાન્ઝેકશન બેન્ક તેના એપ.માં હાઈલાઈટ કરી શકે છે. જો કે ખાનગી બેન્કો તેમાં જોડાશે કે કેમ તે પ્રશ્ન છે. એચડીએફસી, આઈસીઆઈસીઆઈ, એકસીસ કે કોટક મહેન્દ્રા બેન્કોની દલીલ છે કે એસએમએસ એલર્ટ ગ્રાહકને એક સાયબર છેતરપીંડીથી બચાવે છે પણ સૂત્રોના જણાવ્યા મુજબ બેન્કો હવે સીધા એસએમએસ ચાર્જ લઈ શકશે નહી પણ અન્ય ચાર્જ વધારી દેશે.
આ પ્રકારના એસએમએસથી વર્ષે રૂા.300 કરોડ કે તેથી વધુનો ચાર્જ ટેલીકોમ કંપનીઓને ચૂકવે છે. આમ ટેલીકોમ કંપનીઓને પણ આવકની નુકશાની જશે. બેન્કો દર મહિને 60થી80 અબજ આ પ્રકારના ગ્રાહક સમક્ષ એસએમએસ મોકલે છે. બેન્કોને વોટસએપ કે તેવા માધ્યમ જેમાં ચાર્જ નથી તેનો ઉપયોગ કરવા ભલામણ કરાઈ છે પણ બેન્કો અન્ય ચાર્જ વધારશે તો ગ્રાહકને તો બોજો યથાવત રહેશે.

