Mumbai, તા.9
જે બાળકોના પાલન-પોષણમાં માતા-પિતા કોઈ કસર નથી છોડતા એ બાળકો જયારે મોટા થાય છે ત્યારે વૃધ્દ માતા-પિતાની સંભાળ રાખવાની જવાબદારીથી છટકતા હોય છે.
આવા જ એક મહત્વના કેસમાં બોમ્બે હાઈકોર્ટે મહત્વની ટીપ્પણી કરતા કહ્યું હતું કે જો માતા-પિતા પોતાની સંપત્તિ એ શરતે સંતાનોને આપે છે કે તેઓ વૃધ્ધાવસ્થામાં તેમની સાર સંભાળ રાખશે, તો આ શરત પૂરી ન થવા પર તેઓ સંપત્તિ પરત પણ મેળવી શકે છે.
અદાલતે વધુમાં એ પણ સ્પષ્ટ કર્યું હતું કે આ અધિકાર માતા-પિતાના આર્થિક રીતે આત્મનિર્ભર થવા પર પણ લાગુ થાય છે. મામલા મુજબ 68 વર્ષીય પિતા એક ઝવેરી છે. તેમણે માર્ચ 2005માં ફલેટ ખરીદયો હતો. જેમાં તે પોતાની પત્ની, દીકરો અને તેમનો પરિવાર રહેતો હતો.
18 વર્ષ બાદ 8 મે 2023ના એક ગીફટ ડીડથી આ ફલેટ પોતાના પુત્રને એ શરતે ભેટમાં આપ્યો હતો કે દીકરો તેની અને તેની 60 વર્ષીય પત્નીની પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવી તેની સાર સંભાળ રાખે બાદમાં પિતા અને પુત્રના સંબંધ ખરાબ થઈ ગયા અને સ્થિતિ એટલી હદે બગડી ગઈ કે 2025માં માતા-પિતાએ ઘર છોડવું પડયું. બાદમાં માતા-પિતાએ ભરણપોષણનો દાવો ટ્રીબ્યુનલમાં કર્યો હતો.
ટ્રીબ્યુનલે 60 દિવસમાં પુત્રને ફલેટ ખાલી કરી માતા-પિતાને આદેશ કરેલો. જેને પુત્રે હાઈકોર્ટમાં પડકાર્યો હતો. પુત્રની દલીલ હતી કે પિતા આર્થિક રીતે સક્ષમ છે, તેમનો વ્યવસાય છે, અન્ય અચલ સંપત્તિઓ પણ છે. તેઓ નિર્ધન નથી, પોતાનું ભરણ-પોષણ કરવા સક્ષમ છે. જોકે હાઈકોર્ટે પુત્રની દલીલ ફગાવી દીધી હતી.

