Surendaranagar તા.18
એલ.સી.બી. ની ટીમે વઢવાણ વિસ્તારમાં આવેલા 80 ફૂટ રોડ પર શ્યામનગરમાં દરોડો પાડીને ગેરકાયદેસર ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ દરોડા દરમિયાન પોલીસે એક ઇસમની ધરપકડ કરી છે, જ્યારે કાયદાના સંઘર્ષમાં આવેલ એક સગીર ને હસ્તગત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
એલ.સી.બી. સુરેન્દ્રનગરના પોલીસ કર્મચારી મેહુલભાઈ મકવાણાને મળેલી ચોક્કસ બાતમીના આધારે વઢવાણના શ્યામનગર ખાતે રેડ કરવામાં આવી હતી. ત્યાં તપાસ કરતા વ્હિસ્કી160 નંગ ચપલા મળી આવ્યા હતા, જેના પર ફોર સેલ ઇન ચંડીગઢ ઓન્લી લખેલું હતું.
પોલીસે રૂ. 171 લેખે કુલ રૂ.27,360ની કિંમતનો દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ દારૂના નેટવર્ક પાછળ ત્રણ ઇસમો સામેલ હતાઃ રાજુભાઈ કનુભાઈ ખાચર ઉંમર વર્ષ 36, ધંધોઃ ડ્રાઇવિંગ, રહે. કૈલાશ પાર્ક, ઉમીયા ટાઉનશીપ પાસે, 80 ફૂટ રોડ, વઢવાણ; મૂળ રહે. સાંકળી, તા. મૂળીઆ મુખ્ય આરોપીની પોલીસે સ્થળ પરથી ધરપકડ કરી છે અને તેની પાસેથી રૂ.10,000 મોબાઇલ પણ કબજે કર્યો છે.
એક કાયદાના સંઘર્ષમાં આવેલ સગીરના વઢવાણ સ્થિત મકાનમાં દારૂ સંતાડવામાં આવ્યો હતો. પોલીસે તેને હસ્તગત કરી કાયદાકીય સમજ કરી તેના વાલીને સોંપવાની તજવીજ કરી છે. પથુભાઈ રણુભાઈ ધાંધલ રહે. ગોસળ, તા. સાયલા, જી. સુરેન્દ્રનગર આ બૂટલેગર પાસેથી રાજુભાઈ ખાચર દારૂનો જથ્થો લાવ્યો હોવાની કબૂલાત મળતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો છે. આ ત્રણેય ઇસમો સામે પ્રોહિબિશનમાં એકબીજાની મદદગારી કરવાનો ગુનો નોંધી તપાસ એલ.સી.બી.ના એએસઆઇ મુકેશભાઈ ઉતેળીયા ચલાવી રહ્યા છે.

