(મિલાપ રૂપારેલ દ્વારા)Amreli તા.૨૦
આજે સવારે અંદાજે ૧૦ કલાકે અમરેલી ફાયર કંટ્રોલ રૂમને ટેલિફોનિક જાણ કરવામાં આવી હતી કે, ખીજડિયા ખારી ગામે પ્રવીણભાઈ મોહનભાઈ પઢિયારની વાડી વિસ્તારમાં આવેલ કુવામાં એક વ્યક્તિ ડૂબી ગઈ છે.
આ બનાવની જાણ મળતા જ ઇન્ચાર્જ ફાયર ઓફિસર એચ.બી. બાંભણિયાના માર્ગદર્શન હેઠળ અમરેલી ફાયર એન્ડ ઇમર્જન્સી સર્વિસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી પહોંચી હતી.
ફાયર ટીમે પોતાની સૂઝબૂઝ અને અનુભવના આધારે કુવામાંથી ડૂબી ગયેલા વ્યક્તિના મૃતદેહનું સફળ રેસ્ક્યુ કરી બહાર કાઢ્યો હતો. અને જરૂરી કાર્યવાહી બાદ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો.
આ બનાવમાં મૃતકની ઓળખ જખવાડીયા હિંમતભાઈ મોહનભાઈ (ઉં.વ.૮૦), રહે. ખીજડિયા ખારી તરીકે થઈ છે.
આ રેસ્ક્યુ કામગીરીમાં ફાયર કર્મચારી ભગવતસિંહ ગોહિલ, ડાભી સવજીભાઈ, ભુરીયા જગદીશભાઈ અને પરમાર કૌશિકભાઈએ નોંધપાત્ર કામગીરી બજાવી હતી. આ બનાવ અંગે આગળની કાર્યવાહી સંબંધિત તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે.

