Hyderabad, તા. 27
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સરસંઘચાલક મોહન ભાગવતે રવિવારે હૈદરાબાદ ખાતે એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, LGBTQ+ સમુદાયના લોકો સદીઓથી ભારતીય સમાજનો જ એક ભાગ રહ્યાં છે.
તેથી તેઓ સમાજમાંથી બહિષ્કાર નહીં, પરંતુ આદર અને સ્વીકૃતિ મેળવવા માટે હકદાર છે. તેમણે ઉમેર્યું કે ભારતીય પરંપરામાં આવા સમુદાયોની હાજરીને લાંબા સમયથી માન્યતા આપવામાં આવી છે અને સમાજમાં તેમનાં માટે સ્થાન પણ બનાવવામાં આવ્યું છે.
પોતાનાં સંબોધનમાં મોહન ભાગવતે સ્પષ્ટ કર્યું હતું કે, “LGBTQ+ અને આ તમામ સમુદાયોનું સમાજમાં અસ્તિત્વ છે. આવી પ્રવૃત્તિઓ સમાજમાં જોવા મળે છે; જેમાંથી કેટલીક કુદરતી (જન્મજાત) હોય છે, જ્યારે કેટલીક પાછળથી માનસિક કે શારીરિક ઝુકાવને કારણે બને છે.”
તેમણે ભારપૂર્વક કહ્યું કે, તેઓ પણ મનુષ્ય છે અને તેમને જીવવાનો પૂરતો અધિકાર છે. ભારતીય સંસ્કૃતિએ હંમેશાં તેમને બહિષ્કૃત કરવાને બદલે માનવતાવાદી અભિગમ અપનાવ્યો છે.
મોહન ભાગવતે ભારતીય પરંપરાનું ઉદાહરણ આપતાં કહ્યું કે, પ્રાચીન સમયથી લઈને આજે પણ આ સમુદાયોના પોતાનાં દેવી-દેવતાઓ, ધામો અને મહામંડલેશ્વરો છે, જેઓ કુંભમેળા જેવા પવિત્ર આયોજનોમાં પણ ભાગ લે છે. તેમણે કહ્યું કે ભારતીય સમાજે હંમેશાં આ બાબતને શાંતિથી ઉકેલીને તેમનાં પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી છે અને તેમને સમાજનાં અભિન્ન અંગ તરીકે ગણ્યાં છે.
નોંધનીય છે કે, મોહન ભાગવત અગાઉ પણ સમલૈંગિકતા અને LGBTQ+ સમુદાય પર પોતાનાં વિચારો વ્યક્ત કરી ચુક્યાં છે. ઓક્ટોબર 2019માં તેમણે મહાભારતના `શિખંડી’ પાત્રનો ઉલ્લેખ કરીને સમજાવ્યું હતું કે લિંગ અને જાતીય વિવિધતા ભારતીય ઇતિહાસમાં નવી નથી. આ ઉપરાંત, જાન્યુઆરી 2023માં પણ તેમણે સ્પષ્ટ કર્યું હતું કે આ સમુદાયનાં લોકોને પોતાની ખાનગી અને સામાજિક જગ્યા મળવી જોઈએ.

