Bhavnagar તા.27
ભાવનગર જિલ્લાના વલભીપુરમાં આજે સવારે અડધો ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે ભાવનગર શહેરમાં સવારે ઝરમર ઝરમર વરસાદ વરસ્યો હતો.
ગોહિલવાડ પંથકમાં ગઈકાલે રવિવારે વરસાદે વિરામ લીધો હતો. જિલ્લામાં ક્યાંય નોંધપાત્ર વરસાદ પડ્યો ન હતો. આજે સોમવારે સવારે વલભીપુરમાં સવારે છ થી આઠ દરમિયાન 10 મી.મી. વરસાદ નોંધાયો છે . જ્યારે ભાવનગર શહેરમાં વરસાદી માહોલ વચ્ચે ઝરમર ઝરમર વરસાદ વરસ્યો હતો.
તેમજ ભાવનગર જિલ્લામાં વરસાદને કારણે અસરગ્રસ્ત બનેલા માર્ગોને વાહનવ્યવહાર માટે ફરી સુગમ અને સુરક્ષિત બનાવવા માર્ગ અને મકાન વિભાગ (પંચાયત), ભાવનગર દ્વારા તાત્કાલિક દુરસ્તીકરણની કામગીરી હાથ ધરવામાં આવી છે.
આ અંતર્ગત ભાવનગર તાલુકાના ફરિયાદકા એપ્રોચ રોડ તેમજ ઘોઘા તાલુકાના ભીકડાથી ભીકડા ડેમ તરફ જવાના માર્ગ પર વરસાદી પાણીના નિકાલની કામગીરી સાથે નુકસાનગ્રસ્ત રોડ પર વેટ મિક્સ દ્વારા પેચવર્ક કરવામાં આવી રહ્યું છે. માર્ગ અને મકાન વિભાગ પંચાયતની ટીમ દ્વારા સ્થળ પર સર્વેક્ષણ કરીને માર્ગોની સ્થિતિનું મૂલ્યાંકન કર્યા બાદ પ્રાથમિકતાના ધોરણે મરામતની કામગીરી શરૂ કરવામાં આવી છે.

