Gandhinagar,તા.૨૮
ચાલુ ચોમાસામાં રાજ્યભરમાં સર્જાયેલી અતિવૃષ્ટિ અને પૂરની સ્થિતિના કારણે ગુજરાતને ફરી એકવાર મોટો આર્થિક ફટકો પડ્યો છે. પ્રાથમિક સરકારી આંકડાઓ અને ચર્ચાઓ મુજબ રાજ્યમાં અંદાજે ૧૦ હજાર કરોડથી પણ વધુનું આર્થિક નુકસાન થયું હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. વરસાદી રાઉન્ડ પૂર્ણ થતાં જ હવે વિવિધ વિભાગો દ્વારા જાહેર સરકારી મિલકતો, રોડ-રસ્તા, પુલ અને વીજલાઈનોને થયેલી ક્ષતિનો આખરી તાગ મેળવવામાં આવી રહ્યો છે. નુકસાનીનો અંતિમ રિપોર્ટ તૈયાર થયા બાદ રાજ્ય સરકાર ટૂંક સમયમાં જ કેન્દ્ર સરકારને વિગતવાર મેમોરેન્ડમ મોકલીને વિશેષ નાણાકીય સહાયની રજૂઆત કરશે.
છેલ્લા કેટલાક સમયથી દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં પડેલા ધોધમાર વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. પૂરના પાણી ઓસર્યા બાદ હવે તારાજીનું સાચું ચિત્ર સામે આવી રહ્યું છે. ખેતરોમાં પાણી ભરાઈ રહેવાના કારણે ઉભો પાક ધોવાઈ ગયો છે, જેનાથી ખેડૂતોને વ્યાપક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. માર્ગ અને મકાન વિભાગ, સિંચાઈ, પાણી પુરવઠો અને વીજ પુરવઠા વિભાગની મિલકતોને મોટું નુકસાન પહોંચ્યું છે. અનેક રસ્તાઓ અને પુલો તૂટી જતાં વાહનવ્યવહાર ખોરવાયો છે. હજારો કાચા-પાકા મકાનોને ક્ષતિ પહોંચી છે. ગ્રામ વિકાસ, શહેરી વિકાસ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ દ્વારા નુકસાનીનો વિભાગવાર હિસાબ તૈયાર કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.
સરકારી અને રાજકીય વર્તુળોમાં ચાલી રહેલી ચર્ચા મુજબ, જો કુલ નુકસાનનો આંકડો ૧૦ હજાર કરોડથી વધુ રહેશે તો રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર પાસે મોટા રાહત પેકેજની મજબૂત રજૂઆત કરશે. રાજ્ય સરકાર તરફથી કેન્દ્રને સત્તાવાર મેમોરેન્ડમ સુપ્રત કરવામાં આવશે. મેમોરેન્ડમના આધારે કેન્દ્ર સરકારની એક વિશેષ પ્રતિનિધિ ટીમ ગુજરાતની મુલાકાતે આવશે. કેન્દ્રીય ટીમ અસરગ્રસ્ત વિસ્તારોનું પ્રત્યક્ષ નિરીક્ષણ અને મૂલ્યાંકન કરીને પોતાનો રિપોર્ટ કેન્દ્ર સરકારને સોંપશે, જેના આધારે આખરી સહાય મંજૂર કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, અગાઉના ચોમાસા દરમિયાન પણ કમોસમી અને ભારે વરસાદના કારણે ખેતીપાકને ભારે નુકસાન પહોંચ્યું હતું. તે સમયે ગુજરાત સરકારે નવેમ્બર ૨૦૨૫માં અંદાજે ૧૦ હજાર કરોડના રાહત પેકેજની જાહેરાત કરી હતી, જે પાછળથી વધીને ૧૧,૧૩૭ કરોડ સુધી પહોંચી હતી. ગુજરાત વિધાનસભામાં રાજ્યપાલના સંબોધન દરમિયાન પણ આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે, તે પેકેજ અંતર્ગત રાજ્યના ૩૩ લાખથી પણ વધુ ખેડૂતોને ૯,૬૧૦ કરોડથી વધુની સહાય સીધી ચુકવવામાં આવી હતી. આ વર્ષે પણ સરકાર દ્વારા અસરગ્રસ્ત લોકોને યોગ્ય ચુકવણી અને આર્થિક ટેકો આપવા માટે તાગ મેળવવામાં આવી રહ્યો છે.

