અનેક વખત અરજી અને પુરાવા આપ્યા છતાં કતલખાના બંધ કરાવવા મુદે કાર્યવાહી કેમ નહિ ?
(રવિ મોટવાણી દ્વારા) Morbi તા.૨૯
મોરબીમાં ગેરકાયદે ચાલતા કતલખાના અને જીવ હત્યા મામલે રાષ્ટ્રીય સનાતન સેના મોરબી જીલ્લા અધ્યક્ષે મોરચો માંડ્યો છે અનેક રજૂઆત છતાં મેયર અને કમિશ્નર કેમ કોઈ નક્કર કાર્યવાહી કરતા નથી તેવો સવાલ ઉઠાવ્યો છે
રાષ્ટ્રીય સનાતન સેના મોરબીના જીલ્લા અધ્યક્ષ ચેતન પાટડીયાએ ગેરકાયદે ચાલતા કતલખાના મામલે મોરચો માંડ્યો છે અખબારી યાદીમાં જણાવ્યું છે કે મોરબી શહેરમાં ગેરકાયદેસર ચાલતા કતલખાના અને જીવ હત્યાના કારસ્તાનો સામે સ્થાનિક રહીશો દ્વારા અનેક લેખિત રજૂઆત કરવામાં આવી છે મેયર અને કમિશ્નરને વારંવાર અરજી અને પુરાવા આપ્યા છતાં આજદિન સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી શું મોરબીના નાગરિકોને સ્વચ્છ, સુરક્ષિત અને કાયદેસર વાતાવરણમાં જીવવાનો અધિકાર નથી ? મોરબીની જનતાએ વિશ્વાસ મુકીને ભાજપના તમામ ૫૨ કોર્પોરેટરો ચૂંટ્યા છે અને મહાપાલિકામાં પૂર્ણ બહુમતી હોવા છતાં આવા ગંભીર પ્રશ્ને કેમ મૌન છો ? જનતાની રજૂઆત છતાં કાર્યવાહી કેમ નહિ ? તેવા સવાલો ઉઠાવી ગેરકાયદેસર પ્રવૃતિઓ સામે તાત્કાલિક કાયદેસર કાર્યવાહી કરવા માંગ કરી છે જો તાત્કાલિક યોગ્ય કાર્યવાહી નહિ કરવામાં આવે તો જનહિતમાં વિશાળ જનઆંદોલન અને વિરોધ પ્રદર્શન શરુ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે

