નાગરિકોને સાવચેતી રાખવા કલેક્ટર ડૉ. મનીષ બંસલની અપીલ
Bhavnagar,તા.30
બંગાળના ઉપસાગરમાં સર્જાયેલી વરસાદી સિસ્ટમના કારણે રાજ્યમાં આગામી તા. 31 જુલાઈ, 1 ઓગસ્ટ અને 2 ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા ભાવનગર જિલ્લાને ઓરેન્જ એલર્ટ હેઠળ મૂકવામાં આવ્યો હોવાનું જણાવી જિલ્લા કલેક્ટર ડૉ. મનીષ બંસલે જિલ્લાવાસીઓને જરૂરી સાવચેતી રાખવા અપીલ કરી છે.
જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું કે ભારે વરસાદ અને તેજ પવનની સંભાવનાને ધ્યાનમાં રાખીને જિલ્લા તેમજ તાલુકા મથકોએ 24 કલાક કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યા છે. કોઈપણ પ્રકારની મદદ કે માહિતી માટે નાગરિકો કંટ્રોલ રૂમનો સંપર્ક કરી શકે છે. સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા તમામ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓની રજાઓ રદ કરવામાં આવી છે તેમજ તાલુકા કક્ષાએ તલાટી સુધીના તમામ કર્મચારીઓને હેડક્વાર્ટર પર હાજર રહી સતત સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.
રાજ્ય સરકાર દ્વારા ભાવનગર જિલ્લામાં એક સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF)ની ટીમ પણ તહેનાત કરવામાં આવી હોવાનું કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંભવિત આપત્તિની સ્થિતિમાં તાત્કાલિક પ્રતિસાદ આપી શકાય તે માટે જરૂરી તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે.
ડૉ. મનીષ બંસલે નાગરિકોને અપીલ કરતાં જણાવ્યું કે ભારે વરસાદ દરમિયાન બિનજરૂરી બહાર જવાનું ટાળવું, નાળા, કોઝવે અથવા પાણી ભરાયેલા માર્ગો પરથી કોઈપણ સંજોગોમાં પસાર ન થવું તેમજ વીજળી અને તેજ પવન દરમિયાન વૃક્ષો નીચે કે અન્ય અસુરક્ષિત સ્થળોએ આશરો ન લેવા તેમણે અનુરોધ કર્યો હતો.
વધુમાં, ભારે પવનને કારણે નુકસાન ટાળવા માટે હોર્ડિંગ્સ, બેનરો સહિતની ખુલ્લી સામગ્રી સુરક્ષિત કરવાની તેમજ કોઈપણ પ્રકારની અફવાઓથી દૂર રહી માત્ર અધિકૃત માહિતી પર જ વિશ્વાસ રાખવાની અપીલ કરવામાં આવી છે. કોઈપણ ઇમરજન્સી અથવા મુશ્કેલીની સ્થિતિમાં જિલ્લા અને તાલુકા કક્ષાના કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા કલેક્ટરશ્રીએ જિલ્લાવાસીઓને અનુરોધ કર્યો છે.

