વડાપ્રધાન મોદીએ શરૂ કરેલો જનસેવાનો યજ્ઞ રાજ્યમાં મુખ્યમંત્રી આગળ વધારી રહ્યા છે: મંત્રી કુંવરજીભાઈ બાવળીયા
Rajkot તા. ૧૪ઃ
’સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત ગોંડલથી પ્રસ્થાન થયેલી ‘‘સોમનાથથી વડનગર બાઇક યાત્રા‘‘ જસદણ તથા વિંછીયા પહોંચી હતી. જ્યાં આટકોટ, જસદણ તથા વિંછીયા ખાતે બહોળી સંખ્યામાં નાગરિકોએ ઉપસ્થિત રહી મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા, મંત્રીશ્રી રિવાબા જાડેજા તેમજ સાંસદશ્રી જીતેન્દ્રભાઈ કણજારીયા સહિત મહાનુભાવો અને બાઈક યાત્રામાં જોડાયેલા યુવાનોનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.
આ ઉપરાંત મોટા માંડવા, મોટા દડવા, લીલાપુર, હિંગોળગઢ, આટકોટ અને અમરાપુર સહિતના ગામોમાં ગ્રામજનોએ બાઇક યાત્રાનું સ્વાગત કરી યાત્રા-કળશમાં જળ અર્પણ કર્યું હતું. આ પ્રસંગે આટકોટ-જસદણ ખાતે મંત્રીશ્રીઓ તેમજ મહાનુભાવોએ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. વિંછીયા ખાતે મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા, મંત્રી શ્રી રિવાબા જાડેજા સહિત મહાનુભાવોએ તેમજ સ્કૂલની વિદ્યાર્થિનીઓએ યાત્રાનાં કળશમાં જળ અર્પણ કર્યું હતું.
આ તકે કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે, ‘‘વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનાં જનસેવાનાં કાર્યો થકી નાગરિકોની સુખાકારીમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે વધુને વધુ નાગરિકોને વિવિધ યોજનાઓ થકી મળવાપાત્ર લાભ મળી રહે તે હેતુસર આ યાત્રા શરૂ કરવામાં આવી છે.‘‘ તેમણે યાત્રાનો ઉદ્દેશ્ય સ્પષ્ટ કરતાં કહ્યું હતું કે, ‘‘વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે તેમણે શરૂ કરેલો જનસેવાનો આ યજ્ઞ વર્તમાન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સફળતાપૂર્વક આગળ વધારી રહ્યા છે. જેના ફળસ્વરૂપે જસદણ અને વિંછીયાના છેવાડાના ગ્રામીણ વિસ્તારો સુધી જનકલ્યાણકારી યોજનાઓ પહોંચી છે.‘‘ આ સાથે મંત્રીશ્રીએ યાત્રામાં જોડાયેલા યુવાનોનો ઉત્સાહ વધાર્યો હતો.
શિક્ષણ રાજ્યમંત્રી શ્રી રિવાબા જાડેજાએ સેવા, સુશાસન અને વિકાસના ૨૫ વર્ષના ઉપલક્ષમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકાસકાર્યોનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ખેડૂત કલ્યાણકારી યોજનાઓ, શ્રમિક કલ્યાણ યોજનાઓ અને યુવા સ્વાવલંબન સહિતના અનેક પગલાં લઈને ગુજરાત અને દેશને સમૃદ્ધ બનાવવામાં મહત્વનું યોગદાન આપ્યું છે. તેમની દીર્ઘદ્રષ્ટિના કારણે શિક્ષણ, કૃષિ, આરોગ્ય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ગ્રીન ગ્રોથ, પર્યાવરણનું જતન તેમજ ઔદ્યોગિક વિકાસ સહિતના તમામ ક્ષેત્રોમાં થયેલા અવિરત વિકાસકાર્યો દેશને વિકસિત ભારત તરફ આગળ ધપાવી રહ્યા છે.
મંત્રીશ્રીએ વિશેષમાં જણાવ્યું હતું કે, ‘‘વિકસિત ભારતના નિર્માણમાં નારી શક્તિ આગેકૂચ કરી રહી છે. દીકરીઓનું આર્થિક અને સામાજિક ઉત્થાન થાય તે માટે, રમતગમતનું મેદાન હોય કે ઉચ્ચ શિક્ષણ, રાજ્ય અને કેન્દ્ર સરકારે તેમને સક્ષમ મંચ પૂરું પાડ્યું છે. જેના પરિણામે આજની નારી ’ડ્રોન દીદી’થી લઈને ’ડી.આર.ડી.ઓ.’ સુધી ઉચ્ચ કારકિર્દી ઘડીને કર્તવ્ય નિભાવી રહી છે.‘‘ મંત્રીશ્રીએ બાઈક યાત્રામાં જોડાયેલા તમામ યુવાનોને અભિનંદન પાઠવ્યા હતા.
આ કાર્યક્રમમાં સરકારશ્રીની વિવિધ યોજનાઓના લાભાર્થીઓએ પોતાના પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા; જેમાં મિશન મંગલમ યોજના, નમોશ્રી યોજના, આયુષ્યમાન ભારત કાર્ડ, પ્રધાનમંત્રી આવાસ યોજના તેમજ ખેડૂત કલ્યાણ યોજનાના લાભાર્થીઓ સામેલ હતા. આ પ્રસંગે સાંસદશ્રી જીતેન્દ્રભાઈ કણજારીયા સહિત મહાનુભાવોએ યાત્રામાં જોડાયેલા યુવાનોનો ઉત્સાહ વધાર્યો હતો. સમગ્ર માર્ગ દરમિયાન વિવિધ ગામોના અગ્રણીઓ, ગ્રામજનો, શહેરીજનો, હોદ્દેદારો તેમજ યુવાનોએ યાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું હતું.

