Navsari,તા.૩૦
Navsari જિલ્લામાં તાજેતરમાં થયેલા ભારે વરસાદ અને પૂરની સ્થિતિ બાદ રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ ગણદેવી તાલુકાના સોનવાડી, સાલેજ અને ગડત ગામોની પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી. આ દરમિયાન નરેશભાઈ પટેલ પણ તેમની સાથે ઉપસ્થિત રહ્યા હતા.
નવસારીમાં મુલાકાત દરમિયાન કૃષિ મંત્રીએ અસરગ્રસ્ત ખેડૂતો અને ગ્રામજનો સાથે સીધો સંવાદ કરીને મકાનો, પાક, બગીચા અને પશુધનને થયેલા નુકસાન અંગે માહિતી મેળવી હતી. સાથે જ સરકાર દ્વારા ચાલી રહેલી રાહત અને સહાય કામગીરી અંગે સ્થાનિકોનો પ્રતિસાદ પણ મેળવ્યો હતો.
જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાણીએ ભારે વરસાદ બાદ હાથ ધરાયેલી રાહત, બચાવ, પુનઃસ્થાપન અને નુકસાનના સર્વેની કામગીરી અંગે મંત્રીશ્રીને વિગતવાર માહિતી આપી હતી. ત્યારબાદ કૃષિ મંત્રીએ સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી કામગીરીનું મૂલ્યાંકન કર્યું હતું.
જીતુ વાઘાણીએ અધિકારીઓને સૂચના આપી હતી કે અસરગ્રસ્ત ગામોમાં મકાન, પાક અને પશુધનને થયેલા નુકસાનનો સર્વે સંપૂર્ણ પારદર્શક, સચોટ અને સમયમર્યાદામાં પૂર્ણ કરવામાં આવે. રાજ્ય સરકારના નિયમો મુજબ દરેક અસરગ્રસ્ત વ્યક્તિને મળવાપાત્ર સહાય કોઈ વિલંબ વિના પહોંચે તે માટે તંત્રે સંપૂર્ણ પ્રતિબદ્ધતા સાથે કામગીરી કરવી જોઈએ તેમ તેમણે જણાવ્યું.
કૃષિ મંત્રીએ જણાવ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ અસરગ્રસ્ત પરિવારોને ત્વરિત અને યોગ્ય સહાય પહોંચાડવી રાજ્ય સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. દરેક પાત્ર લાભાર્થી સુધી સરકારી સહાય સમયસર પહોંચે તે માટે તમામ વિભાગોને સંકલિત રીતે કાર્ય કરવા સૂચના આપવામાં આવી છે. આ મુલાકાત દરમિયાન નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ, જિલ્લા પંચાયત પ્રમુખ નિરાલી નાયક, જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ, સ્થાનિક પદાધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

