Vadodara,તા.૩૦
Vadodara શહેરમાં ચોરીની એક ઘટના સામે આવી છે, જેમાં પોલીસ ભવન નજીક આવેલા નર્મદા ભવનમાં તસ્કરોએ સરકારી કચેરીને નિશાન બનાવી છે. તસ્કરો કચેરીનું દરવાજાનું પ્લાય તોડી અંદર ઘૂસ્યા હતા અને સરકારી મિલકતની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. આ મામલે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી મુજબ, વડોદરાના જેલ રોડ પર આવેલા નર્મદા ભવનમાં અધિક નોંધણી સર નિરીક્ષકની જૂની કચેરી આવેલી હતી. આ કચેરી જુલાઈ ૨૦૨૫માં દિવાળીપુરા સ્થિત નવી કલેક્ટર કચેરી ખાતે ખસેડવામાં આવી હતી. હાલ જૂની કચેરીમાં રિનોવેશનનું કામ ચાલી રહ્યું હતું, જેનો લાભ તસ્કરોએ ઉઠાવ્યો હોવાનું સામે આવ્યું છે.
૨૮ જુલાઈ ૨૦૨૬ના રોજ રાત્રે રૂટીન ચેકિંગ દરમિયાન સરકારી સામાન ગાયબ હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. ત્યારબાદ તપાસ કરતા રૂમ નંબર ૬૨૦ના મુખ્ય દરવાજાના નીચેના ભાગનું પ્લાય તૂટેલી હાલતમાં મળી આવ્યું હતું. તપાસમાં જાણવા મળ્યું કે તસ્કરો દરવાજો તોડી અંદર પ્રવેશ્યા હતા.ચોરી માં તસ્કરો ક્રોમ્પટન કંપનીના ૧૦ સીલિંગ ફેન અને એન્કર કંપનીની ૧૨ એલઇડી લાઇટ લઈ ગયા હોવાનું સામે આવ્યું છે. ચોરાયેલા સામાનની કિંમત અંદાજે રૂ.૧૬ હજાર હોવાનું જાણવા મળ્યું છે. ફરિયાદ મુજબ, ૧૮ જુલાઈના રોજ કરવામાં આવેલા ચેકિંગ દરમિયાન કચેરીમાં તમામ સામાન સલામત હતો. ત્યારબાદ ૨૮ જુલાઈની વચ્ચેના સમયગાળામાં તસ્કરોએ ચોરી ને અંજામ આપ્યો હોવાનું અનુમાન છે. આ સમગ્ર મામલે મદદનીશ નોંધણી સર નિરીક્ષક સૂર્યકાંત હઠીલાની ફરિયાદના આધારે રાવપુરા પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધ્યો છે. હાલ પોલીસે કચેરી આસપાસના સીસીટીવી ફૂટેજ સહિતના પુરાવાના આધારે તસ્કરોને ઝડપી પાડવા તપાસ શરૂ કરી છે.

