Junagadh,તા.૩૧
એક અઠવાડિયામાં બીજી વખત જૂનાગઢ પોલીસે ઓડિશાથી પોસ્ટ મારફતે મોકલવામાં આવેલો વનસ્પતિ જન્ય ગાંજો પકડી પાડ્યો છે. ૨૨ જુલાઈએ ભવનાથ પોસ્ટ ઓફિસમાં ઓડિશાથી ૪ કિલો ૨૩૯ ગ્રામ ગાંજો આવ્યો હતો, જેને લેવા આવેલા જૂનાગઢના રઈસ પઠાણ અને સોહિલ શેખને પોલીસે પકડી પાડ્યા હતા. ત્યારે આજે દોલતપરા પોસ્ટ ઓફિસમાં ઓડિશાથી ફરી ૫ કિલો ૩૬૦ ગ્રામ ગાંજાનું પાર્સલ આવતાં પોલીસે તેને પણ કબજે કર્યું છે. પાછલા એક અઠવાડિયામાં જૂનાગઢ પોલીસે ઓડિશા રાજ્યમાંથી વનસ્પતિ જન્ય ગાંજાના પાર્સલને પોસ્ટ મારફતે જૂનાગઢ સુધી પહોંચાડવાના હેરાફેરીના કારસ્તાનનો પર્દાફાશ કર્યો છે.
૨૨ જુલાઈએ ભવનાથ પોલીસ મથકના ક્ષેત્રમાં આવેલી ભવનાથ પોસ્ટ ઓફિસમાં ઓડિશાથી ૪ કિલો ૨૩૯ ગ્રામ ગાંજો આવ્યો હતો. જેની અંદાજિત બજાર કિંમત ૨,૧૧,૯૫૦ જેટલી હતી. આ પાર્સલ લેવા આવેલા રઈસ પઠાણ અને સોહિલ શેખને પોલીસે રંગે હાથે પકડી પાડ્યા હતા. આજે જૂનાગઢ શહેરની દોલતપરા પોસ્ટ ઓફિસમાં ઓડિશાથી ફરી એક વખત ૫ કિલો ૩૬૦ ગ્રામ ગાંજાનું પાર્સલ આવતાં પોલીસે તેને પણ કબજે કરી લીધું છે.
ઓડિશાથી જૂનાગઢની ભવનાથ અને દોલતપરા પોસ્ટ ઓફિસમાં એક અઠવાડિયામાં બે વખત વનસ્પતિ જન્ય ગાંજાના પાર્સલ આવ્યા છે. અત્યાર સુધીમાં પોલીસે કુલ ૯ કિલો ૫૯૯ ગ્રામ ગાંજો (જેને ડ્રગ્સની દુનિયામાં હેશિશ તરીકે પણ ઓળખવામાં આવે છે) જપ્ત કર્યો છે. જેની અંદાજિત બજાર કિંમત ૪,૭૯,૯૫૦ જેટલી છે. સમગ્ર મામલામાં પોલીસે અમિત અને કિરણ સહિત બે આરોપીઓને પકડી પાડ્યા છે. જ્યારે ઓડિશાના ગોપી દાદા તથા જૂનાગઢના અકીલ અને સમુન સહિત ત્રણ આરોપીઓ હજુ ફરાર છે. પોલીસે તેમને પકડવા માટે તપાસના ચક્રો ઝડપી બનાવ્યા છે.

