Surendranagar,તા.૧
Surendranagar જિલ્લામાં મોડી રાતથી હવામાન વિભાગની આગાહીને પગલે વરસાદી માહોલ જામ્યો છે. સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરી વિસ્તારો સહિત આસપાસના ગામોમાં વરસાદ શરૂ થયો છે. લીંબડી, ચુડા, સાયલા, દસાડા, લખતર, મુળી, ધ્રાંગધ્રા, ચોટીલા, થાન સહિતના તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યો છે. તંત્ર દ્વારા વરસાદની આગાહીને લઈને નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. વઢવાણ, ચુડા, દસાડા તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ વરસ્યો , ધ્રાંગધ્રા, લીંબડી, ચોટીલા સહિતના તાલુકામાં એક ઇંચથી વધારે વરસાદ થયો છે.
રાજકોટ શહેરમાં અવિરત વરસાદ પડી રહ્યો છે. છેલ્લા ૮ કલાકથી ધીમીધારે વરસાદ ચાલુ છે. રાજકોટ શહેર અને જિલ્લામાં તમામ તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. જસદણ ઉપલેટા પડધરી લોધિકા ગોંડલ સહિતના જિલ્લાઓમા ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે.
સુરેન્દ્રનગર પંથકમાં ભારે વરસાદને લઈ ચુડાનો ઝીંઝાવદર ચેકડેમનો પાળો તૂટ્યો છે. ચાચકા ડેમ ઓવરફ્લો થયા પછી પાણી આવતા આમ થયુ છે. આસપાસના ખેતરોમાં ઝીંઝાવદર ચેકડેમનું પાણી ફરી વળ્યું છે. સુરેન્દ્રનગરના ચુડામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને કારણે ગોખરવાડા ગામ સંપર્ક વિહોણું થયુ છે. ગોખરવાડા ગામના બેઠા પુલ પરથી પાણીનો પ્રવાહ વહેતો થયો છે. પુલ પાણીમાં ગરકાવ થતાં ચુડા અને લીમડી જવા માટેનો મુખ્ય માર્ગ બંધ થયો છે. સરપંચે લોકોને અવરજવર ન કરવાની અપીલ કરી છે. સુરેન્દ્રનગરમાં ભારે વરસાદના પગલે અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે. લીંબડી તાલુકાનું સમલા ગામ સંપર્ક વિહોણું થયુ છે. રસ્તા પર પાણી ફરી વળતાં અવરજવર બંધ થઇ છે.
સુરેન્દ્રનગર શહેરનો રાજ હોટલનો અંડરબ્રિજમાં પાણી ભરાઈ જતા બંધ કરાયો છે. શહેરના મુખ્ય રાજ અંડર બ્રિજમાં ચારથી પાંચ ફૂટ પાણી ભરાઈ ગયા છે. પાણી ભરાય જતા મનપા દ્વારા વાહન વ્યવહાર બંધ કરાયો છે. સુરેન્દ્રનગર જિલ્લાના દેદાદરા ગામે વરસાદના પગલે મકાનો તુટ્યા છે. ઘર વખરી સહિતની વસ્તુઓને ભારે નુકસાન થયુ છે. ભારે વરસાદના પગલે ઘરોમાં પાણી ઘુસ્યા છે. દેદાદરા ગામ સંપર્ક વિહોણું બન્યુ છે. તંત્રની ટીમોએ ૧૦૦ થી વધુ લોકોનું સ્થળાંતર કર્યુ છે.
સુરેન્દ્રનગરના મુળીનો નાયકા ડેમ ૧૦૦% ભરાયો છે. નીચાણવાળા વિસ્તારો માટે તંત્રની સાવચેતીની ચેતવણી આપી છે. ગૌતમગઢ, કુકડા, ગોદાવરી અને શેખપરના ગ્રામજનોને એલર્ટ કરાયા છે. નદીના પટમાં અવરજવર ન કરવા અને માલ-મિલકતને સુરક્ષિત સ્થળે ખસેડવા અપીલ કરી છે. ધોધમાર વરસાદને પગલે સુરેન્દ્રનગરના લખતરમાં જળભરાવ થયો છે. લખતર ઇગરોડી ગામ સંપર્ક વિહોણું થયુ છે. તમામ રસ્તા પાણીમાં ગરકાવ થયા છે. ગામમાં અનેક ઘરોમાં વરસાદી પાણી ઘુસી ગયા છે. ગામલોકોએ તંત્રને રાહત અને બચાવ કામગીરી માટે સંપર્ક કર્યો છે.
બોટાદ જિલ્લાનો ખાંભડા ડેમમાંથી ૧૭૩૦ ક્યુસેક પાણી છોડાયું છે. ખાંભડા ડેમનો ૧ દરવાજો ૪૫ સેમી ખોલાયો છે. નદીકાંઠાના ગામોના લોકોને સાવચેત રહેવા અપીલ કરાઇ છે. નદીના પટમાં ન જવા તંત્રની કડક સૂચના છે. ડેમ નિચેના ખાંભડા, બેલા, કુંડલ, ટીંબલા સહિત ૯ ગામોને એલર્ટ કરાયા છે. અફવાઓથી દૂર રહી સત્તાવાર સૂચનાઓનું પાલન કરવા તંત્રએ અપીલ કરી છે. મોરબી શહેરના ગાંધીચોક,જુના બસ સ્ટેન્ડ,શનાળા રોડ અને છાત્રાલય રોડ પર પાણી ભરાયા છે. રસ્તા પર પાણી ભરાતા જનજીવન પર અસર થઇ છે. પાણી ભરાવા છતાં મહાનગપાલિકાના અધિકારીઓ ફરક્યા ન હોવાનો આરોપ લોકો કરી રહ્યા છે. શહેરના ગત રાત્રીથી ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. મનપાના એન્ટ્રી ગેટ પર પાણી ભરાતા કામગીરીની પોલ ખુલી છે.

