Surat,તા.૪
સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ખાડીપૂરની સમસ્યાના કાયમી ઉકેલ માટે ૧૮૮ કિલોમીટર વિસ્તારમાં ડીજીપીએસ અને ડ્રોન સર્વે સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે. સાથે જ વરાછા ખાડીનું પાણી તાપી નદીમાં ડાયવર્ટ કરવા માટેના આયોજન પર પણ કામ ચાલી રહ્યું છે. જોકે, આ સમગ્ર આયોજન પર ભાજપના વરાછા ધારાસભ્ય કિશોર કાનાણીએ જ ગંભીર સવાલો ઉઠાવ્યા છે.
કિશોર કાનાણીએ જણાવ્યું કે ચીકુવાડી વિસ્તારમાંથી ખાડીનું પાણી વર્ષોથી તાપી નદીમાં જ છોડવામાં આવે છે. તેથી તેને નવું આયોજન તરીકે રજૂ કરવું યોગ્ય નથી. તેમના કહેવા મુજબ માત્ર એક સ્થળે પાણી ડાયવર્ટ કરવાથી શહેરમાં પૂર જેવી સ્થિતિનો કાયમી ઉકેલ આવી શકશે નહીં. તેમણે સમગ્ર ડ્રેનેજ અને ખાડી વ્યવસ્થાનું વૈજ્ઞાનિક આયોજન કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.
ધારાસભ્યએ જણાવ્યું કે ગયા વર્ષે ખાડીપૂરની સમસ્યા બાદ મહાનગરપાલિકાએ વિશેષ સમિતિ બનાવી હતી અને આશરે ૪૦ કરોડ રૂપિયાનું ફંડ પણ ફાળવ્યું હતું. તેમ છતાં સમયસર કોઈ અસરકારક કામગીરી થઈ નહીં. જો તે સમયે સર્વે, ડ્રેજિંગ અને જરૂરી સુધારાઓ કરવામાં આવ્યા હોત તો આ વર્ષે અનેક વિસ્તારોને રાહત મળી શકી હોત.
કાનાણીએ જણાવ્યું કે વર્ષો દરમિયાન ખાડીઓમાં કાંપ ભરાવા, દબાણો અને ગેરકાયદે બાંધકામોના કારણે તેમની ઊંડાઈ અને પહોળાઈમાં મોટો ફેરફાર આવ્યો છે. આવી સ્થિતિમાં વર્ષો જૂના ડેન્જર લેવલના આધારે આયોજન કરવાથી સમસ્યાનો ઉકેલ આવતો નથી. ઘણા વિસ્તારોમાં ખાડી જોખમી સપાટીએ પહોંચે તે પહેલાં જ પાણી રહેણાંક વિસ્તારોમાં ઘૂસી જાય છે.
ધારાસભ્યએ ખાડી કિનારે થયેલા ગેરકાયદે બાંધકામો અને સમયસર ડ્રેજિંગ ન થવા માટે સીધો વહીવટી તંત્રને જવાબદાર ઠેરવ્યો. તેમણે જણાવ્યું કે જો ખાડીઓ પર દબાણો વધ્યા હોય અને પાણીના કુદરતી વહેણમાં અવરોધ ઊભા થયા હોય તો તેની જવાબદારી સંબંધિત તંત્રની બને છે.
કિશોર કાનાણીએ અંતમાં કહ્યું કે સમિતિઓની રચના, સર્વે અથવા ફંડ જાહેર કરવાથી જ સમસ્યા હલ થતી નથી. ખાડીઓનું તાત્કાલિક ડ્રેજિંગ, દબાણો દૂર કરવી અને વરસાદી પાણીના કુદરતી વહેણને સુચારુ બનાવવાની કામગીરી ઝડપથી હાથ ધરવામાં આવે તો જ સુરતને ખાડીપૂરની સમસ્યામાંથી વાસ્તવિક રાહત મળી શકે છે.
સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ખાડીપૂરની સમસ્યાના કાયમી ઉકેલ માટે ૧૮૮ કિલોમીટર વિસ્તારમાં ડીજીપીએસ સર્વે અને ડ્રોન સર્વે સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે. સાથે જ વરાછા ખાડીનું પાણી તાપી નદીમાં ડાયવર્ટ કરવા માટેના આયોજન પર પણ કામ ચાલી રહ્યું છે. જોકે, આ સમગ્ર આયોજન પર ભાજપના વરાછા ધારાસભ્ય કિશોર કાનાણીએ જ ગંભીર સવાલો ઉઠાવ્યા છે.

