(નયના દવે દ્વારા)
Jamnagar તા.૫
Jamnagar નજીક નાઘેડી ગામ પાસે આવેલા લહેર તળાવમાંથી સરકારી નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીનો મૃતદેહ મળી આવતાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, કલ્યાણપુર તાલુકાની વતની અને જામનગરની સરકારી નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતી વનીતાબેન દેશુરિયા (ઉંમર ૨૪) અહીં હોસ્ટેલમાં રહેતી હતી. ગઈકાલે સવારે તે હોસ્ટેલમાંથી નીકળ્યા બાદ પરત ફરી ન હતી. બાદમાં બપોરના સમયે નાઘેડી નજીક આવેલા લહેર તળાવના પાણીમાંથી તેણીનો મૃતદેહ મળી આવ્યો હતો.
બનાવની જાણ થતાં પંચ-બી ડિવિઝન પોલીસના એએસઆઈ યુવરાજસિંહ સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે અને ત્યારબાદ જી.જી. હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. મૃતદેહને પાણીમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઘટનાની જાણ મૃતકના પરિવારજનોને કરવામાં આવતા તેઓ હોસ્પિટલ પહોંચ્યા હતા.
પ્રાથમિક તપાસમાં વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે આપઘાત પાછળનું ચોક્કસ કારણ જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો, જેને અંતિમવિધિ માટે કલ્યાણપુર લઈ જવાયો હતો. વિદ્યાર્થીનીના અકાળ અવસાનથી પરિવારજનો તથા નર્સિંગ કોલેજના વિદ્યાર્થી વર્તુળમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.

