પથ્થરો વરસ્યા, હુમલો થયો, છતાં હિંમત ન હારી એવાં અડીખમ સ્વાતંત્ર્ય સેનાની ચંચળબહેન વાઘજીભાઈ દવે
આલેખન ભાવિકા લીંબાસીયા
માહિતી બ્યુરો, સુરેન્દ્રનગર
‘‘મન હોય તો માળવે જવાય’’ આ કહેવત મુશ્કેલીઓ સામે ઝઝૂમવાની માનવીની આંતરિક શક્તિનો પરિચય કરાવે છે. સ્વાતંત્ર્યનો ઇતિહાસ રાજકીય નેતાઓના ભાષણો કે જેલયાત્રાઓનો જ ઇતિહાસ નથી. તે અસંખ્ય એવાં સામાન્ય સ્ત્રી-પુરુષોના ત્યાગ, સાહસ અને સંઘર્ષની ગાથા છે, જેમણે પોતાના નામ કે પ્રતિષ્ઠાની ચિંતા કર્યા વિના રાષ્ટ્ર માટે જીવન સમર્પિત કર્યું. સ્વાતંત્ર્ય સંગ્રામના કપરા દિવસોમાં સુરેન્દ્રનગરની ધરતી પર એક એવી જ મહિલા ઊભી રહી હતી, જેણે ન હાથમાં શસ્ત્ર લીધું, ન સત્તાનો સહારો લીધો; જેમણે ગૃહિણી હોવા છતાં અન્યાય સામે ઝૂકવાનું સ્વીકાર્યું નહીં અને સ્વાતંત્ર્ય સંગ્રામમાં અદમ્ય હિંમતનું પ્રતીક બની રહ્યાં. આ વીરાંગના હતાં ચંચળબહેન વાઘજીભાઈ દવે.
ઈ.સ. ૧૮૯૧માં સુરેન્દ્રનગર જિલ્લાના મોજીદડ ગામે જન્મેલાં ચંચળબહેન એક સામાન્ય ગૃહિણી હતાં, પરંતુ તેમની અંદર દેશ માટે કંઈક કરવાની અસાધારણ ધગશ હતી. દેશ ગુલામીની સાંકળોમાં જકડાયેલો હતો ત્યારે ગાંધીજીના સત્ય, અહિંસા અને સ્વરાજના વિચારોની અસરથી તેઓ રાષ્ટ્રીય ચળવળ તરફ વળ્યાં. ઘર-પરિવારની જવાબદારીઓ નિભાવવાની સાથે તેમણે દેશસેવાને પણ જીવનનો અભિન્ન ભાગ બનાવી લીધી.
ઈ.સ. ૧૯૩૦થી ૧૯૩૨ દરમિયાન યોજાયેલા ઐતિહાસિક મીઠાના સત્યાગ્રહમાં ચંચળબહેને ઉત્સાહપૂર્વક સક્રિય ભાગ લીધો. તે સમયગાળામાં અંગ્રેજ શાસન સામે સત્યાગ્રહનો માર્ગ અપનાવવો એ સામાન્ય બાબત નહોતી. ધરપકડ, દમન અને અત્યાચારનો ભય હોવા છતાં તેઓ આંદોલનથી પાછળ હટ્યાં નહીં. ત્યારબાદ તેઓ રાજકોટ સત્યાગ્રહમાં પણ જોડાયાં અને સ્વરાજની લડતને આગળ વધારવામાં પોતાનું યોગદાન આપ્યું. બ્રિટિશ શાસન તેમજ દેશી રજવાડાંના દમનકારી વલણ સામે અહિંસક લડતમાં સક્રિય રહ્યાં. તેમના માટે દેશસેવા હવે એક આંદોલન નહીં, પરંતુ જીવનનું ધ્યેય બની ગયું હતું.
ગુલામી સામેની લડતમાં ઘરનો ઉંબરો ઓળંગી સત્યાગ્રહના મેદાનમાં ઊતરેલી સાહસિક મહિલા,અત્યાચાર સામે ઝૂકવાને બદલે સ્વાભિમાન અને સમાજસેવાનું જીવનભર જાળવ્યું વ્રત
ચંચળબહેનના જીવનનો સૌથી કરુણ અને કસોટીભર્યો પ્રસંગ લીંબડી પ્રજાકીય આંદોલન દરમિયાન આવ્યો. લીંબડી પરિષદની સ્વયંસેવિકા તરીકે સેવા આપવાના કારણે તેમને સ્થાનિક અસામાજિક તત્ત્વોના અત્યાચારનો ભોગ બનવું પડ્યું. મોજીદડ જવા માટે તેઓ બસની રાહ જોઈ રહ્યાં હતાં ત્યારે તેમની સાથે અપમાનજનક વર્તન કરવામાં આવ્યું. ત્યારબાદ તેમની સાથે મારપીટ કરવામાં આવી અને પથ્થરો પણ ફેંકવામાં આવ્યા. એટલું જ નહીં, તેમના પર છરીથી હુમલો પણ કરવામાં આવ્યો.
ચંચળબહેનને બચાવવા કેટલાક લોકો આગળ આવ્યા, પરંતુ હુમલાખોરોએ તેમને પણ માર માર્યો. આ સમગ્ર ઘટનાએ વિસ્તારમાં ભય અને આક્રોશની લાગણી ફેલાવી દીધી. એક નિઃશસ્ત્ર મહિલા પર થયેલા આ અત્યાચારથી લોકોમાં ભારે રોષ જોવા મળ્યો. આ અમાનવીય કૃત્યની જાણ રાજ્ય સુધી પહોંચતાં હુમલાખોરો સામે કાર્યવાહી કરવામાં આવી. બીજી તરફ, ગંભીર જોખમ વચ્ચે ચંચળબહેન પોતાની હિંમત અને કોઠાસૂઝથી ત્યાંથી બચી નીકળ્યાં. ચંચળબહેનની અડગ હિંમત એ સમયના સ્વાતંત્ર્ય આંદોલન માટે નવી પ્રેરણા બની.
આ કઠિન અનુભવમાં તેમની હિંમત, સ્વાભિમાન અને રાષ્ટ્રપ્રેમની કસોટી થઈ હતી. કહેવાય છે કે ‘‘સાચા માણસની કસોટી સંકટમાં થાય.’’ ચંચળબહેનના જીવનમાં આ કહેવત સાચા અર્થમાં સાકાર થતી જોવા મળે છે. પોતાના પર થયેલા અત્યાચારથી તેઓ તૂટી પડ્યાં નહીં, પરંતુ વધુ મજબૂત બન્યાં. ચંચળબહેન ક્યારેય ડગમગ્યાં નહીં. દેશપ્રેમની ભાવના અને સમાજસેવાનો સંકલ્પ તેમણે જીવનભર જાળવી રાખ્યો. સ્વાતંત્ર્ય આંદોલન પછી પણ તેઓ પોતાના ગામની મહિલાઓના શિક્ષણ, જાગૃતિ અને સામાજિક વિકાસ માટે સતત કાર્યરત રહ્યાં. તેમના માટે સેવા જીવનનું વ્રત બની ગયું હતું.
ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં અનેક મહિલાઓએ પડદા પાછળ રહીને જે બલિદાન આપ્યાં છે, તેમાં ચંચળબહેન વાઘજીભાઈ દવેનું યોગદાન વિશેષ સ્થાન ધરાવે છે. તે સાબિત કરે છે કે અસાધારણ પરિવર્તન માટે અસાધારણ હોદ્દાની નહીં, પરંતુ અસાધારણ હિંમતની જરૂર પડે છે. સ્વાતંત્ર્યની લડતમાં મહિલાઓની ભૂમિકા ઘણી વખત ઇતિહાસના મુખ્ય પાનાંઓ પાછળ ઢંકાઈ ગઈ છે. ચંચળબહેનની ગાથા એ ભુલાયેલા અધ્યાયને ઉજાગર કરે છે. એક સામાન્ય ગૃહિણી પોતાના ઘરનાં ઉંબરાથી બહાર નીકળી રાષ્ટ્રના સંઘર્ષમાં જોડાય, અન્યાયનો સામનો કરે અને અત્યાચાર સહન કર્યા પછી પણ સમાજસેવાનો માર્ગ ન છોડે આ તેમની વિશિષ્ટતા હતી.
ચંચળબહેન વાઘજીભાઈ દવેની જીવનગાથા આપણને એ શીખવે છે કે ઇતિહાસના મોટા પરિવર્તનો પાછળ ઘણી વખત એવા નામો હોય છે, જેમણે કોઈ પ્રસિદ્ધિની અપેક્ષા વિના પોતાનું સર્વસ્વ અર્પણ કર્યું હોય. પથ્થરોના ઘા તેમના શરીરને વાગ્યા, પરંતુ તેમના મનોબળને નહીં. આ જ અડીખમ મનોબળ તેમને સ્વાતંત્ર્ય સંગ્રામની વિસ્મૃત વીરાંગનાઓમાં એક આગવું સ્થાન અપાવે છે.
આઝાદીના અમૃતમય મૂલ્યોને ઉજવતાં આજે સ્વતંત્ર ભારતની ધરતી પર મુક્ત શ્વાસ લેતાં આપણે જ્યારે સ્વાતંત્ર્ય સંગ્રામના સંઘર્ષને યાદ કરીએ છીએ, ત્યારે ચંચળબહેન જેવી વીરાંગનાઓનું જીવન આપણને યાદ અપાવે છે કે ન્યાય, સ્વાભિમાન અને રાષ્ટ્રપ્રેમ માટે ઊભા રહેવાની શક્તિ સામાન્ય માણસમાં પણ અસામાન્ય બની શકે છે. આવી વિસ્મૃત વીરાંગનાઓનું સ્મરણ કરવું એ જ તેમના સંઘર્ષને સાચી શ્રદ્ધાંજલિ છે.

