(નયના દવે દ્વારા)
Jamnagar તા.૧૦
જામનગર શહેર અને જિલ્લામાં પોલીસે જુગારની પ્રવૃત્તિ સામે સઘન કાર્યવાહી હાથ ધરી ત્રણ અલગ-અલગ સ્થળે દરોડા પાડી કુલ ૧૯ શખ્સોને ઝડપી પાડ્યા હતા. જ્યારે બે શખ્સો પકડવાના બાકી રહ્યા છે. પોલીસે ત્રણેય સ્થળેથી કુલ રૂ. ૧૧,૬૫,૫૮૦નો મુદ્દામાલ કબજે કરી જુગારધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જામનગર શહેરના ગુલાબનગર વિસ્તારમાં અલીશાપીરની દરગાહ પાછળ દેવીપૂજક વાસમાં મકાન પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે દરબારગઢ પોલીસ ચોકીના સ્ટાફે દરોડો પાડ્યો હતો. સ્થળેથી ગુલામહુરોન ઉર્ફે ગુલાભાઈ અલીભાઈ શેખ (ઉં.વ. ૬૨), નવીનભાઈ નાથાભાઈ ચુડાસમા (ઉં.વ. ૫૭), અલ્તાફભાઈ ઓસમાણભાઈ શેખ (ઉં.વ. ૬૪) અને વારૂનભાઈ હુસેનભાઈ પરમાર (ઉં.વ. ૪૩) મળી કુલ ચાર શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે તેમની પાસેથી રૂ. ૧,૮૬૦ તથા જુગાર રમવાની જગ્યાએથી રૂ. ૧૨૦ મળી કુલ રૂ. ૧,૯૮૦ રોકડા અને ગંજીપત્તાના ૫૨ પાના કબજે કરી જુગારધારા કલમ ૧૨ હેઠળ કાર્યવાહી કરી હતી.
બીજી કાર્યવાહી જામનગર તાલુકાના મસીતીયા ગામની સીમમાં કરવામાં આવી હતી. એલ.સી.બી.ના સ્ટાફે સીદીકભાઈ દોસમામદ ખફીની વાડીના શેઢે જાહેરમાં ગંજીપત્તા વડે તીનપત્તીનો પૈસાની હારજીતનો જુગાર રમતા આઠ સ્ત્રી-પુરુષોને ઝડપી પાડ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં સીદીકભાઈ દોસમામદ ખફી, આદમભાઈ જુમાભાઈ ખફી, જાવીદભાઈ નુરમામદ બફી, અબ્દુલભાઈ બાવાભાઈ ધોધા, ઈકબાલભાઈ મુગરભાઈ નોયડા, ઇમરાનભાઈ હનીફભાઈ ખફી, રસુલભાઈ હબીબભાઈ કટીયા અને કાજલબેન મનુભાઈ માલદેનો સમાવેશ થાય છે. પોલીસે તેમની પાસેથી રૂ. ૭૩,૫૦૦ રોકડા, સાત મોબાઇલ ફોન, એક કાર અને ત્રણ મોટરસાયકલ મળી કુલ રૂ. ૧૦,૨૮,૫૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ કેસમાં જુમાભાઈ ઉમરભાઈ ખફી સુમરા અને અખ્તરભાઈ અનવરભાઈ ખફી સુમરા, બંને રહે. મસીતીયાગામ, તા.જી. જામનગર,ને પકડવાના બાકી આરોપીઓ તરીકે દર્શાવવામાં આવ્યા છે.
ત્રીજી કાર્યવાહી ધ્રોલના ગાયત્રીનગર વિસ્તારમાં અંજુમન ખોજાના મકાન પાસે કરવામાં આવી હતી. અહીં જાહેરમાં રોન પોલીસ નામનો જુગાર રમતા અરવિંદભાઈ મનસુખભાઈ અઘેરા, ભરતભાઈ કુરજીભાઈ મકવાણા, જયેશભાઈ ગોવિંદભાઈ ડઢાણીયા, ઓસમાણભાઈ આરબીભાઈ સુમારીયા, શૈલેષભાઈ રમેશભાઈ કાઠીયા, વિજયભાઈ રમેશભાઈ કાઠીયા અને કમલેશભાઈ ઉર્ફે રામકો મગનભાઈ રાઠોડ મળી કુલ સાત શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળેથી રૂ. ૩૫,૧૦૦ રોકડા અને ગંજીપત્તાના પાના કબજે કરી કુલ રૂ. ૩૫,૧૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. તમામ સામે જુગારધારા કલમ ૧૨ મુજબ કાર્યવાહી કરવામાં આવી છે.
આમ, જામનગર શહેરના ગુલાબનગર, જામનગર તાલુકાના મસીતીયાગામની સીમ અને ધ્રોલના ગાયત્રીનગરમાં થયેલી ત્રણ અલગ-અલગ કાર્યવાહીમાં કુલ ૧૯ શખ્સો ઝડપાયા, જ્યારે જુમાભાઈ ઉમરભાઈ ખફી સુમરા અને અખ્તરભાઈ અનવરભાઈ ખફી સુમરા પકડવાના બાકી રહ્યા છે, તેમજ પોલીસે કુલ રૂ. ૧૧,૬૫,૫૮૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

