Ahmedabad,તા.૧૧
અમદાવાદના ન્યુ રાણીપ વિસ્તારમાં ફ્લેટમાં ચાલતા કથિત જુગારધામ પર પીસીબી સ્ક્વોડે દરોડો પાડી આઠ શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસના જણાવ્યા મુજબ, કલાસાગર હાઇટ્સના એચ ૫૦૧ ફ્લેટમાં જુગાર રમાડવામાં આવતો હતો. દરોડા દરમિયાન રોકડ રકમ, મોબાઈલ ફોન અને વાહનો સહિત કુલ રૂ.૩૮.૧૫ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, ફ્લેટના માલિક ગૌતમ પટેલ બહારથી લોકોને બોલાવી વ્યક્તિદીઠ રૂ.૧૨ હજાર લઈને જુગાર રમાડતો હોવાનો આક્ષેપ છે.પીસીબી સ્ક્વોડને મળેલી બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી.
પીસીબી ટીમને ન્યુ રાણીપ વિસ્તારમાં ફ્લેટમાં જુગાર રમાતો હોવાની માહિતી મળી હતી. જેના આધારે સાબરમતી પોલીસ સ્ટેશનની હદમાં આવેલા કલાસાગર હાઇટ્સના એચ ૫૦૧ ફ્લેટમાં દરોડો પાડવામાં આવ્યો હતો.પોલીસ પહોંચતાં ફ્લેટમાં આઠ લોકો ગાદલા પર બેસીને કથિત રીતે જુગાર રમતા મળી આવ્યા હતા. પોલીસે તમામને ઝડપી લઈ તેમની પૂછપરછ શરૂ કરી હતી.
પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો મુજબ, ફ્લેટ માલિક ગૌતમ કાંતિભાઈ પટેલ બહારથી લોકોને જુગાર રમવા માટે બોલાવતો હતો અને વ્યક્તિદીઠ રૂ.૧૨ હજાર લેતો હોવાનો આક્ષેપ છે.પોલીસના જણાવ્યા પ્રમાણે, ફ્લેટમાં જુગાર રમવા આવેલા લોકો મોટી રકમના દાવ લગાવતા હતા. પૂછપરછ દરમિયાન એક મહત્વની બાબત સામે આવી હોવાનું પોલીસે જણાવ્યું છે. જુગારમાં પૈસા હારી ગયા બાદ આરોપીઓ એકબીજા પાસે મોબાઈલ ફોન અને વાહનો ગીરવે મૂકીને પૈસા મેળવતા અને ફરી જુગાર રમતા હોવાનો પોલીસનો દાવો છે.આ માહિતીના આધારે પોલીસે ફ્લેટમાંથી મળી આવેલી રોકડ રકમ ઉપરાંત મોબાઈલ ફોન અને વાહનો પણ કબજે કર્યા છે.પોલીસે તમામ મુદ્દામાલ કબજે કરીને સંબંધિત કાયદા હેઠળ કાર્યવાહી શરૂ કરી છે.
ઝડપાયેલા આઠ આરોપીઓઃ ગૌતમ કાંતિભાઈ પટેલ, ઉંમર ૩૮ વર્ષ, ન્યુ રાણીપ,શશી રમેશભાઈ પટેલ, ઉંમર ૪૬ વર્ષ, જગતપુર, ચાંદખેડા,મનદીપ કિરીટભાઈ પટેલ, ઉંમર ૩૪ વર્ષ, જગતપુર, ચાંદખેડા,મિત ભરતભાઈ પટેલ, ઉંમર ૩૨ વર્ષ, ન્યુ રાણીપ,અંકિત જયંતીભાઈ પટેલ, ઉંમર ૪૦ વર્ષ, નારણપુરા,પ્રિયાંક ચીનુભાઈ સોની, ઉંમર ૪૨ વર્ષ, સાયન્સ સિટી રોડ, સોલા,શૈલેષ હસમુખલાલ પંડ્યા, ઉંમર ૪૮ વર્ષ, ન્યુ રાણીપ,વિરલ ઘનશ્યામભાઈ સોની, ઉંમર ૩૩ વર્ષ, ગોતા, સોલા
પોલીસે તમામ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જુગારધામ કેટલા સમયથી ચાલતું હતું અને તેમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.

