Mehsana,તા.૧૨
શહેરમાં આવેલી જાણીતી ’સન્માન જ્વેલર્સ’ નામની શોપમાં તસ્કરોએ હાથસફાઈ કરી હોવાની સનસનાટીભરી ઘટના સામે આવી છે. ગ્રાહકના સ્વાંગમાં આવેલી ત્રણ અજાણી મહિલાઓની ટોળકીએ દુકાનમાં પ્રવેશી વેપારીના પિતાની નજર ચૂકવીને સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ મળી કુલ ૯,૫૨,૦૦૦ના મુદ્દામાલની ઉઠાંતરી કરી લીધી હતી. સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર, વિસનગરમાં જ્વેલરીનો વ્યવસાય કરતા પ્રકાશભાઈ પટેલ ૮ ઓગસ્ટના રોજ કોઈ પ્રસંગમાં ગયા હોવાથી દુકાને તેમના વૃદ્ધ પિતા એકલા હાજર હતા. આ સમયે ખરીદીના બહાને ત્રણ અજાણી મહિલાઓ દુકાનમાં પ્રવેશી હતી.
આ મહિલા ગેંગ પૈકી બે મહિલાઓએ વૃદ્ધને વાતોમાં પરોવીને ખરીદીના બહાને વ્યસ્ત રાખ્યા હતા, જ્યારે ત્રીજી મહિલા તકનો લાભ ઉઠાવી ધીમે ધીમે છેક ખૂણામાં સાઈડમાં ખસી ગઈ હતી. જે બાદ તેની નજર વૃદ્ધ પાસે રાખેલા બેગ પર પડી હતી. બે મહિલાઓ વૃદ્ધ સાથે વાત કરી રહી હતી ત્યારે ત્રીજી મહિલાએ પહેલા ભગવાનનું નામ લીધું અને જેવી વૃદ્ધની નજર હટી કે એક ઝાટકે તિજોરી પાસે રાખેલી કાળા રંગની બેગ ચોરી લીધી હતી.
બેગ હાથમાં આવતા જ મહિલાએ બેગને સાડીની અંદર છુપાવી અન્ય મહિલા પાસે રહેલા બાળકને તેડી ત્યાંથી રફૂચક્કર થઈ ગઈ, જેની પાછળ પાછળ અન્ય બે મહિલાઓ પણ દુકાનમાંથી બહાર નીકળી ચોરીની ઘટનાને અંજામ આપ્યા બાદ ત્રણેય મહિલાઓ પળવારમાં સ્થળ પરથી રફુચક્કર થઈ ગઈ હતી. દુકાનમાલિક પરત આવ્યા બાદ બેગ ગુમ જણાતા તેમણે સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા, જેમાં મહિલાઓની ચોરીનો ખુલાસો થયો હતો.
ચોરાયેલી બેગમાં ૨,૫૦,૦૦૦ રોકડા તેમજ ૭,૦૨,૪૦૦ની કિંમતના સોના-ચાંદીના દાગીના (જેમાં સોનાની કાનની ચેઇન, વીંટીઓ, બુટ્ટી, ગોલ્ડ બ્રેસલેટ, ગોલ્ડ કાચબો, ચાંદીના સિક્કા અને લકી) સામેલ હતા. સ્થાનિક સ્તરે તપાસ કર્યા બાદ પણ કોઈ પત્તો ન લાગતા, પ્રકાશભાઈ પટેલે વિસનગર શહેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આ શાતિર મહિલા ચોર ટોળકીની ઓળખ મેળવી તેમને ઝડપી પાડવા માટે અલગ-અલગ દિશામાં તપાસ તેજ કરી છે.

