New Delhi, તા. 14
ભારતનાં પૂર્વ ઓફ સ્પિનર હરભજન સિંહે રોહિત શર્મા અને વિરાટ કોહલીના સમર્થનમાં કહ્યું છે કે આવતાં વર્ષે યોજનારા વનડે વર્લ્ડ કપ માટે ખેલાડીઓની પસંદગીનો આધાર તેમની ઉંમર નહીં પણ તેમનું પ્રદર્શન હોવું જોઈએ. તેમણે કહ્યું કે બંને ખેલાડીઓ એકદમ ફીટ છે અને જો તેઓ રન બનાવી રહ્યાં હોય, તો તેમની ઉંમરને લઈને કોઈ પણ જાતનો સવાલ ન ઉઠવો જોઈએ.
મેસીનું ઉદાહરણ
હરભજને કહ્યું, “ખેલાડી ગમે તે હોય, મારું માનવું છે કે પસંદગીનો માપદંડ માત્ર ને માત્ર પ્રદર્શન હોવો જોઈએ, ઉંમર નહીં.” તેમણે 39 વર્ષના મહાન ફૂટબોલર લિયોનેલ મેસીનું ઉદાહરણ આપતાં કહ્યું કે જો કોઈ ખેલાડી મોટી ઉંમરનો હોવા છતાં યુવા ખેલાડીઓ કરતાં વધુ સારું પ્રદર્શન કરી રહ્યો હોય, તો તેને ટીમમાં ચોક્કસ જગ્યા મળવી જોઈએ.
તેમણે આગળ કહ્યું કે રોહિત અને વિરાટ પાસે લગભગ 300 મેચોનો મોટો અનુભવ છે, જે વૈભવ સૂર્યવંશી જેવા નવા કે યુવા ખેલાડી પાસે નથી. હરભજને વિરાટ કોહલીને ભારતીય ક્રિકેટમાં ફિટનેસનું કલ્ચર અને હંમેશા જીતવાની માનસિકતા લાવવાનો શ્રેય પણ આપ્યો હતો.
તેમણે ઉમેર્યું કે વર્લ્ડ કપ શરૂ થવાનાં લગભગ છ મહિના પહેલાં જ ટીમ મેનેજમેન્ટે મુખ્ય ટીમ કઈ રહેશે અને તેમાં દરેક ખેલાડીનો રોલ કયો રહેશે તે બધું સ્પષ્ટ કરી દેવું જોઈએ.
કહ્યું, ગંભીર કડવું સત્ય બોલે છે –
હરભજન સિંહે મુખ્ય કોચ ગૌતમ ગંભીરની સતત થઈ રહેલી ટીકાઓ પર આશ્ચર્ય વ્યક્ત કરતાં કહ્યું કે તેઓ ‘બહુ જ સારા માણસ’ છે, પણ તેમનો સીધો અને સ્પષ્ટ બોલવાનો સ્વભાવ ઘણાં લોકોને પસંદ નથી આવતો. હરભજને કહ્યું કે ગંભીર એક લાગણીશીલ વ્યક્તિ છે અને તેઓ જે અનુભવે છે તે ખુલ્લીને કહી દે છે.
તેમની વાતો ક્યારેક કડવી લાગી શકે છે, પણ તેઓ કડવું સત્ય બોલે છે, જેને ઘણાં લોકો પચાવી શકતાં નથી. હરભજને કહ્યું કે ગંભીરને તેમનાં બહારનાં વર્તનથી ન પારખવા જોઈએ. તેઓ હંમેશાં પહેલાં ટીમનો વિચાર કરે છે અને જીતવા માટે જ રમવામાં માને છે.

