New Delhi, તા. 14
ભારતીય ક્રિકેટ ટીમનાં મુખ્ય ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ ડાબા ઘૂંટણની સમસ્યા અને સોજાના કારણે શ્રીલંકા સામેની આગામી બે ટેસ્ટ મેચની સિરીઝમાંથી બહાર થઈ ગયા છે. ઇંગ્લેન્ડ સામેની વન-ડે મેચ દરમિયાન ફીલ્ડિંગ કરતી વખતે તેમને આ ઈજા થઈ હતી.
હાલમાં 32 વર્ષીય બુમરાહ બેંગલુ સ્થિત `BCCI સેન્ટર ઓફ એક્સેલન્સ’ ખાતે રિહેબિલિટેશન (રિકવરી)માંથી પસાર થઈ રહ્યાં છે અને તેમની વાપસી અંગે હજુ કોઈ ચોક્કસ સમય નક્કી થયો નથી. સિરીઝ માટે બુમરાહના સ્થાને યુવા ફાસ્ટ બોલર આકિબ નબીનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
બુમરાહની ઈજાને કારણે તેમનાં ‘વર્કલોડ મેનેજમેન્ટ’ અંગે ફરી ચર્ચા જાગી છે. પૂર્વ ભારતીય ક્રિકેટર અને પ્રખ્યાત કોમેન્ટેટર આકાશ ચોપરાએ બુમરાહને ‘જીનિયસ’ ગણાવતાં કહ્યું કે, જો તેમનાં શરીરને આરામની જરૂર હોય તો તંત્રે ચોક્કસપણે તેમને આરામ આપવો જોઈએ.
ચોપરાના મતે, બુમરાહ વિના પણ ભારતીય ટીમ રમી જ લેશે, પરંતુ આવા અસાધારણ બોલરની કારકિર્દી લાંબી ચાલે તે માટે તેમનાં શરીરની ક્ષમતા મુજબ આરામ આપવો અને તેમને રાષ્ટ્રીય સંપત્તિની જેમ સાચવવા ખૂબ જ જરૂરી છે.
શુભમન ગિલની આગેવાની હેઠળ ભારતીય ટીમ આવતીકાલથી ગોલ ખાતે શ્રીલંકા સામે પ્રથમ ટેસ્ટ રમવા જઈ રહી છે. આ ટેસ્ટ ટીમમાં કે.એલ. રાહુલ, યશસ્વી જેસ્વાલ, ઋષભ પંત, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ અને મોહમ્મદ સિરાજ જેવા ખેલાડીઓ સામેલ છે.
બુમરાહની ગેરહાજરીમાં ભારતીય ફાસ્ટ બોલિંગ આક્રમણે અલગ વ્યૂહરચના સાથે મેદાનમાં ઉતરવું પડશે, પરંતુ ટીમ અને પસંદગીકારો માટે હાલ બુમરાહની લાંબા ગાળાની ફિટનેસ જ પ્રાથમિકતા બની રહી છે.

