વિનોદભાઇ માછી નિરંકારી
આ અધ્યાયના બીજા શ્લોકના પૂર્વાર્ધમાં ભગવાને જ્ઞાનયોગ અને કર્મયોગ—બંનેને પરમ કલ્યાણ કરનારા બતાવ્યા,તેની વ્યાખ્યા હવે આગળના બે શ્લોકોમાં કરે છે.
સાઙ્ખ્યયોગૌ પૃથગ્બાલા: પ્રવદન્તિ ન પંડિતા:
એકમપ્યાસ્થિત: સમ્યગુભયોર્વિન્દતે ફલમ્
(બાલા:-બાળક બુદ્ધિના માણસો, સાઙ્ખ્યયોગૌ-સાંખ્યયોગ અને કર્મયોગને,પૃથક્-અલગ-અલગ ફળ આપનાર,પ્રવદન્તિ-કહે છે,ન પંડિતા:-ડાહ્યાં માણસો નહી કેમકે,એકમ્-આ બંનેમાંથી એક સાધનમાં,અપિ-પણ, સમ્યક્-સમ્યક્ રીતે,આસ્થિત:-સ્થિત મનુષ્ય,ઉભયો:-બંનેના,ફલમ્-ફળરૂપ પરમાત્માને,વિન્દતે-પ્રાપ્ત કરી લે છે.)
બાળક બુદ્ધિના માણસો સાંખ્યયોગ અને કર્મયોગને અલગ-અલગ ફળ આપનાર કહે છે,ડાહ્યાં માણસો નહી કેમકે આ બંનેમાંથી એક સાધનમાં પણ સમ્યક્ રીતે સ્થિત મનુષ્ય બંનેના ફળરૂપ પરમાત્માને પ્રાપ્ત કરી લે છે.(૫/૪)
‘સાઙ્ખ્યયોગૌ પૃથગ્બાલા: પ્રવદન્તિ ન પંડિતા:‘ આ જ અધ્યાયના પહેલા શ્લોકમાં અર્જુને કર્મોનો સ્વરૂપથી ત્યાગ કરીને તત્વદર્શી મહાપુરૂષ પાસે જઈને જ્ઞાન પ્રાપ્ત કરવાના સાધનને ‘કર્મસંન્યાસ‘ નામથી કહ્યું છે.ભગવાને પણ બીજા શ્લોકમાં પોતાના સિદ્ધાંતની મુખ્યતા રાખતા તેને ‘સંન્યાસ‘ અને ‘કર્મસંન્યાસ‘ નામથી કહ્યો છે.હવે તે સાધનને ભગવાન અહીં ‘સાંખ્ય‘ નામથી કહે છે.ભગવાન શરીર અને શરીરી(આત્મા) ના ભેદનો વિચાર કરીને સ્વરૂપમાં સ્થિત થવાને ‘સાંખ્ય‘ કહે છે.ભગવાનના મત મુજબ ‘સંન્યાસ‘ અને ‘સાંખ્ય‘ પર્યાયવાચી છે,જેમાં કર્મોનો સ્વરૂપથી ત્યાગ કરવાની જરૂર નથી.
અર્જુન જેને ‘કર્મસંન્યાસ‘ નામથી કહી રહ્યા છે તે પણ નિઃસંશય ભગવાન દ્વારા કહેવામાં આવેલા ‘સાંખ્ય‘નો જ એક અવાંતર-અંતર્ગત/ગૌણ ભેદ છે કારણ કે ગુરૂ પાસેથી સાંભળીને પણ સાધક શરીર અને શરીરી(આત્મા)ના ભેદનો જ વિચાર કરે છે.
‘બાલા:‘ આ શ્લોકમાં સાધનભેદ કરનારને બાલાઃ એટલે કે મંદબુદ્ધિ કહ્યા છે.છે.બાળકની માફક તે પણ પોતપોતાના માર્ગની હઠ કરતા હોય છે આને માર્ગરાગ કહેવાય છે.રાગ કદી દ્વેષ વિનાનો હોતો નથી તેથી તેવો સાધક બીજા માર્ગો પ્રત્યે દ્વેષ કરતો થઇ જાય છે પણ જેને બંન્ને-બધા માર્ગોમાં એકતા જ દેખાય છે તે માર્ગરાગી કે માર્ગદ્વેષી થતો નથી અને તે જ ખરો પંડીત છે,પેલા તો અનાડી બાળકો છે.
ભગવાન એ કહે છે કે આયુષ્ય અને બુદ્ધિમાં મોટા થઈને પણ જેઓ સાંખ્યયોગ અને કર્મયોગને જુદા જુદા ફળ આપનારા માને છે તેઓ બાળકો એટલે કે અણસમજુ જ છે.જે મહાપુરૂષોએ સાંખ્યયોગ અને કર્મયોગના તત્વને બરાબર સમજ્યું છે તેઓ જ પંડિત એટલે કે બુદ્ધિમાન છે,તે લોકો બંનેને અલગ-અલગ ફળ આપનારા કહેતા નથી કારણ કે તેઓ બંને સાધનોની પ્રણાલીઓને ન જોતાં તે બંનેના વાસ્તવિક પરિણામને જુએ છે.સાધન-પ્રણાલીને જોતાં સ્વયં ભગવાને ત્રીજા અધ્યાયના ત્રીજા શ્લોકમાં સાંખ્યયોગ અને કર્મયોગને બે પ્રકારનું સાધન સ્વીકાર્યું છે.બંનેની સાધન-પ્રણાલી તો અલગ-અલગ છે પરંતુ સાધ્ય-ધ્યેય અલગ-અલગ નથી.
‘એકમપ્યાસ્થિત: સમ્યગુભયોર્વિન્દતે ફલમ્‘ ગીતામાં ઠેકઠેકાણે સાંખ્યયોગ અને કર્મયોગનું પરમાત્મા પ્રાપ્તિરૂપ ફળ એક જ બતાવવામાં આવ્યું છે.તેરમા અધ્યાયના ચોવીસમા શ્લોકમાં બંને સાધનોથી પોતાનામાં જ પરમાત્મતત્વનો અનુભવ થવાનું બતાવવામાં આવ્યું છે.ત્રીજા અધ્યાયના ઓગણીસમા શ્લોકમાં કર્મયોગી માટે પરમાત્માની પ્રાપ્તિ બતાવવામાં આવી છે અને બારમા અધ્યાયના ચોથા શ્લોકમાં તથા તેરમા અધ્યાયના ચોત્રીસમા શ્લોકમાં જ્ઞાનયોગી માટે પરમાત્માની પ્રાપ્તિ બતાવવામાં આવી છે.આ પ્રકારે ભગવાનના મત મુજબ બંને સાધન એક જ ફળ આપનારાં છે.
જે અન્ય શાસ્ત્રીય બાબતોને તો જાણે છે પરંતુ સાંખ્યયોગ અને કર્મયોગના તત્વને ઊંડાણપૂર્વક નથી જાણતો તે વાસ્તવમાં બાળક એટલે કે અણસમજુ જ છે.આખી ગીતામાં અવિનાશી તત્વ માટે ‘ફળ‘ શબ્દ માત્ર આ જ શ્લોકમાં આવ્યો છે.‘ફળ‘ શબ્દનો અર્થ છે-પરિણામ.કર્મયોગ અને જ્ઞાનયોગ-બંને સાધનોથી પ્રાપ્ત થનારા તત્વને ‘ફળ‘ કહેવાનો તાત્પર્ય એ છે કે આ બંને સાધનોમાં મનુષ્યનો પોતાનો ઉદ્યોગ-પ્રયત્ન મુખ્ય છે.જ્ઞાનયોગમાં વિવેકરૂપી ઉદ્યોગ મુખ્ય છે અને કર્મયોગમાં પરહિતની ક્રિયારૂપી ઉદ્યોગ મુખ્ય છે. સાધકનો પોતાનો ઉદ્યોગ,પરિશ્રમ સફળ થઈ ગયો એટલા માટે આને ‘ફળ‘ કહેવામાં આવ્યું છે.આ ફળ ક્યારેય નષ્ટ થવાવાળું નથી.કર્મયોગ તથા જ્ઞાનયોગ-બંનેનું ફળ આત્મજ્ઞાન કે બ્રહ્મજ્ઞાન છે.કર્તવ્ય-કર્મ કરવું એ કર્મયોગ છે અને કંઈ ન કરવું એ જ્ઞાનયોગ છે.કંઈ ન કરવાથી જે તત્વની પ્રાપ્તિ થાય છે તે જ તત્વની પ્રાપ્તિ કર્તવ્ય-કર્મ કરવાથી થઈ જાય છે.‘કરવું‘ અને ‘ન કરવું‘ એ તો સાધન છે અને એનાથી જે તત્વની પ્રાપ્તિ થાય છે તે સાધ્ય છે.સાંખ્ય કે યોગ બંન્નેમાંથી કોઇપણ એકની સાધના કરે છે તે બંન્નેનાં ફળ પ્રાપ્ત કરે છે.અહી ફળ છે-કર્મબંધનથી મુક્તિ અને મોક્ષ.

