Bhavnagar તા.૧૮
ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ખરકડી ગામે દારૂની પાર્ટી કર્યા બાદ અચાનક તબિયત લથડતા એક ૨૫ વર્ષીય યુવકનું કરૂણ મોત નિપજ્યું છે, જ્યારે તેના અન્ય બે મિત્રોની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. દારૂમાં ઝેરી પદાર્થ ભળ્યો હોવાની શક્યતાને પગલે સ્થાનિક વરતેજ પોલીસે ગુનો નોંધી સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર ભાવનગર જિલ્લાના ખરકડી ગામના નિવાસી ઉપેન્દ્રસિંહ ગોહિલ (ઉં.વ. ૨૫) એ ગત ૧૬ ઓગસ્ટની રાત્રે પોતાના ગામની એક વાડીમાં મિત્રો સાથે દારૂની પાર્ટીનું આયોજન કર્યું હતું. ડ્રિન્ક કર્યા બાદ ત્રણેય મિત્રોને અચાનક ઉલટીઓ થવા લાગી હતી અને તબિયત વધુ બગડતા તેમને તાત્કાલિક સારવાર અર્થે ભાવનગરની ખાનગી હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા. સતત ૨૪ કલાક સુધી બેભાન અવસ્થામાં રહ્યા બાદ ઉપેન્દ્રસિંહ ગોહિલનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, જ્યારે ઘનશ્યામસિંહ જાડેજા અને વિશ્વરાજસિંહ ગોહિલ (ઉં.વ. ૨૪) હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
મૃતકના ભાઈ નરેન્દ્રસિંહ ગોહિલે આશંકા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, દારૂમાં પોઈઝન હોવાના લીધે આ હોનારત સર્જાઈ હોઈ શકે છે. બીજી તરફ, વરતેજ પોલીસ સ્ટેશનના પી.આઈ.ના જણાવ્યા અનુસાર, યુવકો દારૂ ક્યાંથી લાવ્યા હતા તે દિશામાં તપાસ ચાલુ છે અને મોતનું ચોક્કસ સાચું કારણ જાણવા માટે મૃતદેહનું ફોરેન્સિક પીએમ કરાવવામાં આવશે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે જૂથમાંથી બે યુવકો રૂટીન દારૂનું સેવન કરતા હતા. ફોરેન્સિક પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ મોત પાછળના સાચા કારણો પરથી પડદો ઊંચકાશે.

