New Delhi, તા. 21
ખાદ્ય તેલનાં વધતાં ભાવ દેશની મોંઘવારી માટે નવી ચિંતા બનીને ઊભરી રહ્યાં છે. છેલ્લાં એક વર્ષમાં ખાદ્ય તેલનાં ભાવમાં 12-15 ટકાનો વધારો થયો છે. ઉદ્યોગનું કહેવું છે કે આવનારાં તહેવારો અને લગ્નની સિઝનમાં માંગ વધવાને કારણે પણ ખાદ્ય તેલનાં ભાવ પર દબાણ જળવાઈ રહેવાની આશંકા છે. નવો પાક આવે ત્યાં સુધી ભાવ ઊંચા સ્તરે બની રહી શકે છે.
વૈશ્વિક બજારમાં ઊંચા ભાવ, માલસામાનના પરિવહન (ફ્રેટ)નો વધતો ખર્ચ અને રૂપિયાનું મૂલ્ય ઘટતા સ્થાનિક બજારમાં તેલ મોંઘું થયું છે. ભારત પોતાની ખાદ્ય તેલની જરૂરિયાતનું લગભગ 60 ટકા આયાત કરે છે.
આવી સ્થિતિમાં સ્થાનિક બજારના ભાવ પર આંતરરાષ્ટ્રીય બજારમાં થતા ફેરફારોની સીધી અસર પડે છે. તેથી નજીકનાં ભવિષ્યમાં ખાદ્ય તેલનાં ભાવ સ્થાનિક તેલીબિયાંના વાવેતર કરતાં આંતરરાષ્ટ્રીય બજાર અને અન્ય બાહ્ય પરિબળો પર વધુ નિર્ભર રહેશે.
જુલાઈ મહિનામાં તેલની આયાતમાં 35 ટકાનો વધારો
ભારતમાં ખાદ્ય તેલની માસિક આયાત સામાન્ય રીતે 9.48 લાખ ટનથી 16 લાખ ટનની વચ્ચે રહે છે. જુલાઈમાં આ આયાત વધીને 14.8 લાખ ટન થઈ ગઈ, જ્યારે જૂનમાં 11 લાખ ટન ખાદ્ય તેલની આયાત થઈ હતી.
એટલે કે એક મહિનામાં આયાત આશરે 35 ટકા વધી. આયાત વધવાનું મુખ્ય કારણ પામ ઓઈલ અને સોયાબીન ઓઈલ રહ્યું. પામ ઓઈલની આયાત ગયા મહિનાની સરખામણીએ 48 ટકા અને સોયાબીન ઓઈલની આયાત 31 ટકા વધી. જુલાઈ 2025 માં ભારતે 16.1 લાખ ટન ખાદ્ય તેલની આયાત કરી હતી. આ વર્ષે જુલાઈમાં આયાત 8.3 ટકા ઓછી રહી.
મોંઘવારી વચ્ચે ઘરગથ્થુ બજેટની ચિંતા વધી
ખાદ્ય તેલના વધતાં ભાવ એવા સમયે ચિંતા વધારી રહ્યાં છે જ્યારે મોંઘવારીમાં પણ વધારો શરૂ થયો છે. ઉપભોક્તા મૂલ્ય સૂચકાંક (CPI) આધારિત મોંઘવારી જુલાઈમાં વધીને 4.45 ટકા થઈ ગઈ.
જે જૂનમાં 4.38 ટકા હતી. ખાદ્ય તેલનાં ઊંચા ભાવ આવનારાં મહિનાઓમાં ઘરગથ્થું બજેટ પર અસર નાખી શકે છે. ખાસ કરીને તહેવાર અને લગ્નની સિઝનમાં ભાવમાં તાત્કાલિક ઘટાડાની શક્યતા ઓછી માનવામાં આવી રહી છે.
નવ મહિનામાં 1.19 કરોડ ટન ખાદ્ય તેલની આયાત
આંકડાઓ અનુસાર, 2025-26 ના ખાદ્ય તેલ માર્કેટિંગ વર્ષનાં પ્રથમ નવ મહિના એટલે કે નવેમ્બરથી જુલાઈ દરમિયાન કુલ ખાદ્ય તેલની આયાત 1.19 કરોડ ટન રહી. ગયાં વર્ષનાં સમાન સમયગાળામાં આ 1.13 કરોડ ટન હતી. એટલે કે આ સમયગાળામાં ખાદ્ય તેલની કુલ આયાત વધી છે.
બીજી તરફ, વૈશ્વિક બજારમાં પણ ખાદ્ય તેલનાં ભાવ મજબૂત બનેલાં છે. પામ ઓઈલના ભાવને બાયોડીઝલની વધતી માંગ અને પુરવઠો ઓછો રહેવાની આશંકાથી સમર્થન મળી રહ્યું છે. સંયુક્ત રાષ્ટ્રના ખાદ્ય અને કૃષિ સંગઠન (FAO)નો વનસ્પતિ તેલ મૂલ્ય સૂચકાંક જુલાઈમાં મહિને-દર-મહિને 2 ટકા વધ્યો.
તેલીબિયાંનું વાવેતર વધ્યું, પણ તાત્કાલિક રાહત નહીં
દેશમાં તેલીબિયાંના વાવેતરનો વિસ્તાર વધ્યો છે. આંકડાઓ અનુસાર, 7 ઓગસ્ટ સુધી તેલીબિયાંનું વાવેતર 1.8 કરોડ હેક્ટરમાં થઈ ચૂક્યું હતું. ગયા વર્ષે આ જ સમયે તે 1.75 કરોડ હેક્ટર હતું.
વાવેતર વધવાથી સિઝન આગળ વધતાં ખાદ્ય તેલની ઉપલબ્ધતા સુધરી શકે છે. આનાથી આવનારાં મહિનાઓમાં દબાણ કંઈક અંશે ઓછું થવાની આશા છે. જોકે, તેની અસર તાત્કાલિક દેખાવાની શક્યતા નથી.

