રૂ. ૨.૦૯ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત; શહેર-જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પોલીસની તવાઈ
(નયના દવે દ્વારા)
Jamngar તા.૨૪
જામનગર જિલ્લામાં પોલીસ દ્વારા ઇંગ્લિશ દારૂના ગેરકાયદે વેચાણ અને કબજા સામે વિવિધ સ્થળોએ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. શહેર અને જિલ્લાના અલગ-અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કુલ ૬ કેસ નોંધવામાં આવ્યા છે.
સીટી સી ડિવિઝન પોલીસની સર્વેલન્સ સ્ક્વોડે એરપોર્ટ ગેટ બહારથી પોરબંદરના મેહુલકુમાર પ્રવીણચંદ્ર થાનકીને ફોર્ચ્યુનર કારમાં ઇંગ્લિશ દારૂની ચાર બોટલ સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસે દારૂ અને કાર સહિત કુલ રૂ. ૧,૧૫,૯૧૨નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ જ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઢીંચડા રોડ, નીલકંઠ પાર્ક નજીકથી પુષ્પરાજસિંહ મંગળસિંહ જાડેજા અને અમર પ્રફુલભાઈ પટેલને ઇંગ્લિશ દારૂની બે બોટલ, કુલ રૂ. ૨,૫૮૪ના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા.
તે ઉપરાંત ૫૮ દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં હિંગળાજ ચોક પાસેની અવાવરૂ દુકાનમાં સર્વેલન્સ સ્ક્વોડે દરોડો પાડી ધવલ દીપકભાઈ જાદવને રૂ. ૬૮,૨૭૬ના ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો. આ કેસમાં રમેશ ઉર્ફે રમલો હરવાળા, યશ અને ભાવીક ઉર્ફે છાબો સહિત અન્ય આરોપીઓની સંડોવણી સામે તપાસ હાથ ધરવામાં આવી છે.
ધ્રોલમાં એસ.બી.આઈ. રોડ પર વાલ્મીકી વાસ નજીકથી નાથાલાલ ભગવાનજીભાઈ ઉર્ફે ભગાભાઈ પરમારને ઇંગ્લિશ દારૂના ચપલા તથા મોબાઇલ ફોન મળી કુલ રૂ. ૫,૭૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો.
મેઘપર (પડાણા) પોલીસ દ્વારા મોટી ખાવડી ગામે નાગાર્જુન પેટ્રોલ પંપ સામે દરોડો પાડી શ્રવણકુમાર રવજીરામ કોદરીને રોયલ સ્ટેગ ડિલક્સ વ્હિસ્કીની પાંચ બોટલ, રૂ. ૩,૦૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો.
આમ તા. ૨૩ ઓગસ્ટના રોજ નોંધાયેલા ઇંગ્લિશ દારૂના કુલ ૬ કેસમાં ઉપલબ્ધ વિગતો મુજબ ૮ આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે, જ્યારે અન્ય ફરાર આરોપીઓની શોધખોળ ચાલુ છે. પોલીસે દારૂ સહિત વાહન અને અન્ય મુદ્દામાલ મેળવી અંદાજે રૂ. ૨,૦૯,૭૭૨થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હોવાનું સામે આવ્યું છે.

