Vadodara,તા.૨૫
શહેરના ચકચારી ભાયલી સામૂહિક દુષ્કર્મ કેસમાં દોષિત ઠરેલા પાંચેય આરોપીઓને હવે ૩૧ ઓગસ્ટે કોર્ટ સજા સંભળાવશે. આજે સજાના મુદ્દે કોર્ટમાં દલીલો થઈ હતી, જેમાં સરકારી વકીલે દોષિતોને કડકમાં કડક સજા કરવાની રજૂઆત કરી હતી.સજાની કાર્યવાહી દરમિયાન પાંચેય દોષિતોને વીડિયો કોન્ફરન્સ મારફતે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. સરકારી પક્ષે કેસની ગંભીરતા અને ગુનાની પ્રકૃતિને ધ્યાનમાં રાખીને સખત સજાની માગ કરી હતી.
ભાયલી વિસ્તારમાં ૨૦૨૪માં બનેલા ચકચારી સામૂહિક દુષ્કર્મ કેસમાં પાંચેય આરોપીઓને દોષિત ઠેરવ્યા બાદ આજે, ૨૫ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ, વડોદરાની વિશેષ પોક્સો કોર્ટમાં સજાના મુદ્દે દલીલો થશે. ત્યારબાદ કોર્ટ પાંચેય દોષિતોને સજા સંભળાવશે. આ કેસમાં આરોપીઓને કાયદા હેઠળ ગંભીર સજા થઈ શકે છે. આ કેસમાં ૨૦ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ કોર્ટે પાંચેય આરોપીઓને કસૂરવાર ઠેરવ્યા હતા. લગભગ ૨૨ મહિના સુધી ચાલેલી કાનૂની કાર્યવાહી બાદ હવે કેસ સજાના તબક્કે પહોંચ્યો છે.સજાના મુદ્દે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે હવે ૩૧ ઓગસ્ટના રોજ પાંચેય દોષિતોને સજા સંભળાવવાનો નિર્ણય કર્યો છે. આ સાથે ભાયલી સામૂહિક દુષ્કર્મ કેસમાં લાંબી કાનૂની કાર્યવાહી હવે સજાના તબક્કે પહોંચી છે.
૪ ઓક્ટોબર ૨૦૨૪ના રોજ નવરાત્રિના બીજા નોરતાની રાત્રે ૧૬ વર્ષીય સગીરા પોતાના મિત્ર સાથે ગરબા રમવા માટે બહાર ગઈ હતી. ત્યારબાદ બંને ભાયલી વિસ્તારના એક નિર્જન સ્થળે બેઠા હતા. આ દરમિયાન બે બાઇક પર પાંચ શખ્સો ત્યાં પહોંચ્યા હતા. આરોપીઓએ બંનેને ધમકાવી તેમની પાસેથી મોબાઇલ અને અન્ય વસ્તુઓ લઈ લીધી હતી. ત્યારબાદ સગીરા સાથે ગંભીર અપરાધ આચરવામાં આવ્યો હતો. ઘટના બાદ સગીરા અને તેનો મિત્ર તાલુકા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને સમગ્ર બનાવની જાણ પોલીસને કરી હતી. ફરિયાદ મળતાં જ પોલીસે તપાસ શરૂ કરી હતી.પોલીસ તપાસમાં મુન્ના અબ્બાસ બનજારા, મુમતાઝ ઉર્ફે આફતાબ બનજારા, શાહરૂખ બનજારા, સૈફઅલી બનજારા અને અજમલ સત્તારનાં નામ સામે આવ્યા હતા. તપાસ દરમિયાન પોલીસે પાંચેય આરોપીઓને ઝડપી લીધા હતા. આરોપીઓ મૂળ ઉત્તર પ્રદેશના હોવાનું અને વડોદરામાં મજૂરી તથા પીઓપી-કલર કામ કરતા હોવાનું તપાસમાં સામે આવ્યું હતું.
ઘટનાસ્થળ નિર્જન હોવાથી ત્યાં સીધા સીસીટીવી ફૂટેજ ઉપલબ્ધ નહોતા. જેના કારણે આરોપીઓ સુધી પહોંચવા માટે પોલીસે ટેકનિકલ સર્વેલન્સનો સહારો લીધો હતો. પોલીસે ઘટનાસ્થળથી આરોપીઓના સંભવિત રૂટ સુધી આશરે ૪૫ કિલોમીટરના વિસ્તારમાં ૧,૧૦૦થી વધુ સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા. આ ઉપરાંત આશરે ૨૦૦થી વધુ પોલીસકર્મીઓની ટીમોએ તપાસ હાથ ધરી હતી અને ઘટનાસ્થળની આસપાસના વિસ્તારમાં પણ સઘન તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન સગીરાનો મોબાઇલ આરોપીઓ સાથે હોવાની માહિતી મહત્વપૂર્ણ બની હતી. પરિવારજનો દ્વારા રાત્રે ફોન કરવામાં આવ્યો ત્યારે આરોપીઓમાંથી કોઈએ ભૂલથી થોડા સમય માટે ફોન રિસીવ કર્યો હતો. આ દરમિયાન ફોનના બેકગ્રાઉન્ડમાં સંભળાયેલા અવાજ અને ટેકનિકલ લોકેશનને આધારે પોલીસે તપાસ આગળ વધારી હતી. ત્યારબાદ સીસીટીવી અને ટાવર ડમ્પ ડેટાના વિશ્લેષણથી શંકાસ્પદ મોબાઇલ નંબર અને તેમની હિલચાલને ઘટનાસ્થળ તથા સંભવિત રૂટ સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પોલીસે અનેક મોબાઇલ લોકેશનની તપાસ કર્યા બાદ મુન્ના બનજારા સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી. તેની પૂછપરછ બાદ અન્ય આરોપીઓ સુધી પણ પોલીસ પહોંચી હતી.

