મરેલીના અમેરિકી નાગરિક દિનેશ પટેલ અને જાફરાબાદના ગોમતીદાસબાપુનો પણ સંપર્ક નથી
Amreli, તા.૨૮
નેપાળ-તિબેટ સરહદે આવેલા લાંગતાંગ ક્ષેત્રમાં ગ્લેશિયર તૂટવાને કારણે ભોટેકોશી નદીમાં ભયાનક પૂર આવ્યું છે. આ અચાનક આવેલી કુદરતી આપત્તિના પગલે નેપાળ અને કૈલાશ માનસરોવરની યાત્રાએ ગયેલા ગુજરાતી પરિવારોમાં ભારે ચિંતાનો માહોલ છવાઈ ગયો છે. ગુજરાત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (જીર્ઈંઝ્ર) દ્વારા જાહેર કરાયેલી સત્તાવાર માહિતી અનુસાર, નેપાળ પ્રવાસે ગયેલા ગુજરાતના મૂળ વતનીઓ તેમજ વિદેશી નાગરિકતા (દ્ગઇૈં) ધરાવતા મળીને કુલ ૨૪ નાગરિકો હાલ સંપર્કવિહોણા થયા છે.
સંપર્કવિહોણા થયેલા નાગરિકોમાં અમરેલી જિલ્લાના બે વ્યક્તિઓનો પણ સમાવેશ થાય છે. જેમાં એક અમેરિકી નાગરિકતા ધરાવતા દિનેશ પટેલ અને બીજા જાફરાબાદ સ્થિત ખંઢેરા હનુમાનજી મંદિરના મહંત કામતાપ્રસાદ બાબુલાલ ઉર્ફે ગોમતીદાસબાપુ છે.
મળતી માહિતી મુજબ, ગોમતીદાસબાપુ ગત ૧૦મી ઓગસ્ટે જાફરાબાદથી અયોધ્યા જવા માટે નીકળ્યા હતા. અયોધ્યાથી તેઓ સાધુ સમાજ સાથે નેપાળની યાત્રાએ રવાના થયા હતા.
જોકે, નેપાળ પહોંચ્યા બાદ અચાનક આવેલી પૂરની હોનારત પછી તેનો સંપર્ક તૂટી ગયો છે. મહંત ગોમતીદાસબાપુનો કોઈ પત્તો ન મળતાં અમરેલી અને જાફરાબાદ પંથકમાં તેમના વિશાળ સેવકગણ અને ભક્તોમાં ભારે ચિંતા અને અરેરાટી વ્યાપી ગઈ છે.
રાજ્ય સરકારના જીર્ઈંઝ્ર વિભાગ દ્વારા નેપાળ સ્થિત ભારતીય દૂતાવાસ અને સ્થાનિક પ્રશાસન સાથે સતત સંપર્ક જાળવીને ગુમ થયેલા તમામ ૨૪ નાગરિકોને ઝડપથી શોધી કાઢવા માટે રાહત અને બચાવ કામગીરી તેજ કરવામાં આવી છે.

