જામજોધપુરમાં બાઈક સ્લીપ થતાં આદિવાસી મજૂરે,કનસુમારા પાસે ટ્રક અડફેટે ૧૬ વર્ષીય કિશોરે જીવ ગુમાવ્યો
(નયના દવે દ્વારા)
Jamnagar તા.૩૧
જામનગર નજીક કનસુમરા પાસે તેમજ જામજોધપુર વિસ્તારમાં જુદા-જુદા બે માર્ગ અકસ્માતમાં બે વ્યક્તિના મોત નીપજ્યા હતા. જામજોતપુર નજીક હોથીજી ખડબા ગામ પાસે મોટરસાઇકલ સ્લીપ થતાં એક આદિવાસી ખેતમજૂરનું મોત થયું હતું, જ્યારે કનસુમરા પાટીયા પાસે ટ્રકની અડફેટે મોટરસાઇકલસવાર ૧૬ વર્ષીય કિશોરનું મૃત્યુ નીપજ્યું હતું.
જામજોધપુર તાલુકાના જામવાળી ગામની સીમમાં વાડી પાસે ઝૂંપડામાં પરિવાર સાથે રહેતા મુકેશભાઈ સોબાનભાઈ ભુહા બપોરે પત્ની રમીલાબેનને મજૂરીના પૈસા લેવા જવાનું કહી મોટરસાઇકલ લઈને નીકળ્યા હતા. દરમિયાન હોથીજી ખડબા ગામ પાસે વળાંકમાં મોટરસાઇકલ સ્લીપ થઈ રોડની નીચે ઉતરી જતાં મુકેશભાઈને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતની જાણ થતાં પરિવારજનો જામજોધપુરની સરકારી હોસ્પિટલ પહોંચ્યા હતા, જ્યાં તબીબે મુકેશભાઈને મૃત જાહેર કર્યા હતા. તપાસમાં તેઓ જે મોટરસાઇકલ ચલાવી રહ્યા હતા તે પરિચિતની હોવાનું અને મુકેશભાઈ પાસે વાહન ચલાવવાનું લાઇસન્સ ન હોવાનું બહાર આવ્યું હતું. આ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બીજા બનાવમાં મૂળ ઝારખંડના અને હાલ જામનગરના ગોકુલનગર પાણાખાણ વિસ્તારમાં રહેતા સવીઉલખાન સમ્માનખાન પઠાણ (ઉં.વ.૧૬) મોટરસાઇકલ નં. જીજે-૧૦-ડીએમ-૦૬૦૯ લઈને બહાર ગયા હતા. કનસુમારા પાટી પાસે ટ્રક નં. જીજે-૧૦-એટી-૫૨૫૪ના ચાલકે ટ્રક બેફિકરાઈ અને ગફલતભરી રીતે હંકારી મોટરસાઇકલને અડફેટે લેતાં સવીઉલખાનને માથા, જમણા પગ અને છાતીના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. તેમને સારવાર માટે જી.જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તા.૩૦ના રોજ સવારે ૧૧૧૫ વાગ્યે તબીબે મૃત જાહેર કર્યા હતા. અકસ્માત બાદ ટ્રક સ્થળ પર મૂકી ચાલક નાસી ગયો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. પોલીસે ગુનો નોંધી ફરાર ચાલકને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

