Rajkot,તા.૭
એશિયાની સૌથી મોટી સહકારી સંસ્થાઓમાં સ્થાન ધરાવતા રાજકોટ લોધીકા ખરીદ-વેચાણ સંઘની ચૂંટણીને લઈને રાજકોટના સહકારી રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. સંઘની ચૂંટણી આવતીકાલે, ૮ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ યોજાવાની છે. ખાસ વાત એ છે કે ચૂંટણીમાં સામસામે રહેલા તમામ ઉમેદવારો ભાજપ સાથે સંકળાયેલા હોવાથી આ ચૂંટણીને ભાજપ વિરૂધ્ધ ભાજપ તરીકે જોવામાં આવી રહી છે.
સંઘની કુલ ૧૫ બેઠકોમાંથી ૧૦ બેઠકો બિનહરીફ થયા બાદ બાકીની ૫ બેઠકો માટે ૧૦ ઉમેદવારો વચ્ચે સીધી ટક્કર છે. ભાજપ સંગઠન દ્વારા પાંચ બેઠકો માટે પોતાના પસંદગીના ઉમેદવારોના નામ જાહેર કરીને તેમને મત આપવા માટે વ્હિપ આપવામાં આવ્યો છે. બીજી તરફ, ભાજપના જ અન્ય ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હોવાથી સહકારી સંસ્થાની આ ચૂંટણીમાં આંતરિક જૂથવાદ સ્પષ્ટ જોવા મળી રહ્યો છે.
રાજકોટ લોધીકા સંઘની સત્તા પર વર્ચસ્વ જમાવવા માટે ભાજપના બે દિગ્ગજ નેતાઓ જયેશ રાદડિયા અને પ્રશાંત કોરાટના જૂથો વચ્ચે ખેંચતાણ જોવા મળી રહી છે. બંને જૂથો વચ્ચે સમાધાન કરાવવા માટે સંગઠન સ્તરે મધ્યસ્થીના પ્રયાસો થયા હોવા છતાં આખરે પાંચ બેઠકો પર ચૂંટણી ટાળવામાં સફળતા મળી નથી. ચૂંટણીના પરિણામો બાદ સંઘના ચેરમેન અને વાઇસ ચેરમેન પદ પર કોનું વર્ચસ્વ રહેશે, તે દિશામાં પણ આ ચૂંટણી મહત્વપૂર્ણ બની છે. આથી પાંચ બેઠકોની ચૂંટણીને માત્ર ડિરેક્ટરની ચૂંટણી નહીં પરંતુ સહકારી ક્ષેત્રમાં જૂથોની શક્તિની કસોટી તરીકે પણ જોવામાં આવી રહી છે.
રાજકોટ લોધીકા સહકારી ખરીદ-વેચાણ સંઘની ૨૦૨૬ની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવનાર ભાજપ નેતા વિજય સખિયાએ પોલીસ સુરક્ષાની માગ કરી છે. વિજય સખિયાએ રાજકોટ પોલીસ કમિશનરને લેખિત રજૂઆત કરી છે. તેમાં ચૂંટણી પ્રક્રિયા કોઈપણ વિઘ્ન વિના અને પારદર્શક રીતે યોજાય તેમજ ઉમેદવાર તરીકે તેમને સુરક્ષા આપવામાં આવે તેવી માગ કરવામાં આવી છે. પોલીસ પ્રોટેક્શનનો ખર્ચ તેઓ પોતાના સ્વખર્ચે ભોગવવા તૈયાર હોવાનું પણ રજૂઆતમાં જણાવાયું છે.
ચૂંટણી કાર્યક્રમ મુજબ ૮ સપ્ટેમ્બરે સવારે ૯થી બપોરે ૨ વાગ્યા સુધી નિર્ધારિત મતદાન મથકો પર મતદાન યોજાશે. ત્યારબાદ ૯ સપ્ટેમ્બરે સવારે ૯ વાગ્યાથી મતગણતરી શરૂ કરવામાં આવશે અને ત્યારબાદ અંતિમ પરિણામ જાહેર થશે. માત્ર પાંચ બેઠકો પર જ ચૂંટણી હોવાથી દરેક મત ઉમેદવારો માટે મહત્વનો બની શકે છે. બંને જૂથો માટે એક-એક મત પણ નિર્ણાયક સાબિત થવાની શક્યતા છે.
પ્રદેશ સ્તરે સમાધાનના પ્રયાસો થયા છતાં સહમતી ન બનતા ભાજપ દ્વારા પાંચ બેઠકો માટે પોતાના ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. પાર્ટીએ પોતાના કાર્યકરો અને મતદારોને આ ઉમેદવારોને મત આપવા માટે વ્હિપ આપ્યો છે.
ભાજપ દ્વારા જાહેર કરાયેલા ઉમેદવારોમાંઃ કુવાડવા જૂથ બેઠકઃ અરવિંદ રૈયાણી,માધાપર જૂથ બેઠકઃ પૃથ્વીસિંહ જાડેજા ઉર્ફે ઘોઘુભા જાડેજા,ખોખડદડ જૂથ બેઠકઃ બાબુ નસીત,ત્રંબા જૂથ બેઠકઃ નિતીન રૈયાણી,હલેન્ડા જૂથ બેઠકઃ મહેશ આસોદરીયા
આ ઉમેદવારોની સામે ભાજપ સાથે સંકળાયેલા અન્ય ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા હોવાથી પાર્ટીની અંદરની જ ટક્કર વધુ રસપ્રદ બની છે.
ચૂંટણીમાં પાંચ બેઠકો પર નીચે મુજબ સીધી ટક્કર જોવા મળશેઃ
અરવિંદ રૈયાણી- નીતિન ચોવટિયા,વિજય સખિયા- પૃથ્વીસિંહ જાડેજા (ઘોઘુભા જાડેજા),બાબુ નસીત -હરજીભાઈ પીપડીયા,અનિરુદ્ધસિંહ જાડેજા – નિતીન રૈયાણી,મહેશ આસોદરીયા -ધીરુભાઈ રોકડ છે આ પાંચેય બેઠકો પર બંને જૂથોના સમર્થક ઉમેદવારોને જીતાડવા માટે છેલ્લી ઘડી સુધી પ્રયાસો તેજ બન્યા છે. બંને પક્ષો પોતાના સમર્થક ડિરેક્ટરોને જીતાડવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.
રાજકોટ લોધીકા સંઘની ચૂંટણીમાં એક તરફ ભાજપ સંગઠન દ્વારા જાહેર કરાયેલા ઉમેદવારોને જીતાડવાનો પ્રયાસ છે, તો બીજી તરફ ભાજપના જ અન્ય ઉમેદવારો પોતાની જીત માટે મેદાનમાં છે. પરિણામે આ ચૂંટણી રાજકોટના સહકારી રાજકારણમાં આંતરિક શક્તિપ્રદર્શનની મહત્વપૂર્ણ કસોટી બની છે. ૮ સપ્ટેમ્બરના મતદાન અને ૯ સપ્ટેમ્બરની મતગણતરી બાદ પાંચ બેઠકોમાં કોનો હાથ ઉપર રહેશે અને સંઘની આગામી સત્તામાં કયા જૂથનું વર્ચસ્વ રહેશે, તેના પર હવે સૌની નજર છે.

