(નયના દવે દ્વારા)
Jamnagar તા.૯ઃ
સૈનિક સ્કૂલ બાલાચડી, જામનગર ખાતે બેટલ ઓફ પાઈ-ઓનિયર્સ શીર્ષક હેઠળ આંતર-હાઉસ ગણિત ક્વિઝનું ઉત્સાહભેર આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં સાત સિનિયર હાઉસનું પ્રતિનિધિત્વ કરતા કુલ ૪૨ કેડેટ્સે ભાગ લીધો હતો.
રોમાંચક અને કાંટાની ટક્કરવાળી સ્પર્ધામાં કેડેટ્સે પોતાની ગણિતીય ક્ષમતા, તાર્કિક વિચારસરણી, ત્વરિત નિર્ણયશક્તિ અને સ્પર્ધાત્મક ભાવનાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. રસપ્રદ પ્રશ્નો અને વિવિધ તબક્કાઓથી ભરપૂર આ ક્વિઝ દરમિયાન કેડેટ્સનો ઉત્સાહ અને આત્મવિશ્વાસ જોવા મળ્યો હતો.
સ્પર્ધાના અંતે ટાગોર હાઉસે સતત ત્રીજા વર્ષે ચેમ્પિયન બનીને પોતાની શ્રેષ્ઠતા જાળવી રાખી હતી. શિવાજી હાઉસે દ્વિતીય સ્થાન, જ્યારે પ્રતાપ હાઉસે તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું. વિજેતા ટીમોના ઉત્કૃષ્ટ પ્રદર્શનની ઉપસ્થિત સૌએ પ્રશંસા કરી હતી.
સૈનિક સ્કૂલ બાલાચડીના આચાર્ય ગ્રુપ કેપ્ટન ઉજ્જવલ ઘોરમડે દ્વારા વિજેતા ટીમોને ઈનામો અને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. તેમણે તમામ સહભાગી કેડેટ્સને તેમના પ્રશંસનીય પ્રદર્શન બદલ અભિનંદન પાઠવ્યા હતા અને આવી સ્પર્ધાઓ દ્વારા કેડેટ્સમાં જ્ઞાન, તર્કશક્તિ અને આત્મવિશ્વાસનો વિકાસ થતો હોવાનું જણાવ્યું હતું.પીજીટી (ગણિત) શ્રી ડી.ડી. પુરોહિતે ક્વિઝ માસ્ટર તરીકેની જવાબદારી સંભાળી હતી અને સમગ્ર કાર્યક્રમનું અસરકારક સંચાલન કર્યું હતું.વાઈસ પ્રિન્સિપાલ સ્ક્વોડ્રન લીડર રાકેશ તિવારીએ સ્ટાફ સભ્યો અને કેડેટ્સ સાથે સમગ્ર કાર્યક્રમ નિહાળ્યો હતો તથા સહભાગી કેડેટ્સનો ઉત્સાહ વધાર્યો હતો.આ કાર્યક્રમ દ્વારા કેડેટ્સને ગણિત વિષયને રસપ્રદ અને સ્પર્ધાત્મક રીતે સમજવાની સાથે તેમની તાર્કિક અને વિશ્લેષણાત્મક વિચારશક્તિને વિકસાવવાની ઉત્તમ તક મળી હતી.

