આરોપી પાસે મોબાઇલ પણ નહોતો, છતાં પોલીસ ગણતરીના કલાકોમાં બાળક સુધી પહોંચી, પાંચ વર્ષના બાળકનું અપહરણ, ૧૫ કલાકની દોડધામ બાદ આરોપી ઝડપાયો
(મિલાપ રૂપારેલ દ્વારા)
Amreli તા.૯ઃ
અમરેલી તાલુકાના મોટા આંકડીયા વિસ્તારમાંથી એક પાંચ વર્ષના બાળકના અપહરણની ચકચારી ઘટના સામે આવતા અમરેલી પોલીસની એલ.સી.બી. અને અમરેલી રૂરલ પોલીસની ટીમો એક્શનમાં આવી હતી. આ ઘટનામાં માત્ર આરોપીના નામ સિવાય કોઈ ચોક્કસ માહિતી ન હોવા છતાં અમરેલી પોલીસે ટેકનિકલ સર્વેલન્સ, હ્યુમન ઇન્ટેલિજન્સ અને ૧૭૦થી વધુ ઈઈઝટ કેમેરાના ફૂટેજના આધારે ગણતરીના કલાકોમાં અપહૃત બાળકને રાજકોટના વીરપુર ગામેથી શોધી કાઢી તેના માતા-પિતાને હેમખેમ સોંપી દીધું હતું.
મળતી માહિતી મુજબ અમરેલી તાલુકાના મોટા આંકડીયા ગામે રહેતા અને મૂળ મધ્યપ્રદેશના વતની રાકેશભાઈ બામણીયાના પાંચ વર્ષના પુત્રનું અપહરણ થયું હતું. આ બનાવ અંગે ગત તા.૭ ના રોજ અમરેલી રૂરલ પોલીસ મથકે જાણ કરવામાં આવતા જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
રાકેશભાઈના જણાવ્યા મુજબ આશરે છ માસ પહેલા મોટા આંકડીયા ગામે રહેતા એક લલિત રૂપસિંગભાઈ જમરે નામના યુવક સાથે તેમની ઓળખાણ થઈ હતી. ત્યાર બાદ આરોપી લલિત રાકેશભાઈના જ્યાં કામ કરતા હતા તે ખેતર ઉપર આવવા-જવાનું શરૂ કર્યું હતું.
આશરે દસ દિવસ અગાઉ આરોપી લલિત ફરી એક વખત રાકેશભાઈના ખેતરે આવ્યો હતો. અને કોઈ કામ કે મજૂરી ન મળે ત્યાં સુધી તેમની સાથે ખેતરે રહેવા દેવા વિનંતી કરી હતી. જેથી વિશ્વાસના આધારે રાકેશભાઈએ તેમને ખેતરે રહેવાની મંજૂરી આપી હતી.
આ દરમિયાન ગત તા.૬ ના રોજ આ રાકેશભાઈ અને તેમની પત્ની ખેતરમાં કામ કરી રહ્યા હતા ત્યારે મોટર સાયકલનો અવાજ આવતા તેમણે જોયું કે લલિત રાકેશભાઈનું મોટરસાયકલ લઈ પોતાના પાંચ વર્ષના પુત્રને સાથે બેસાડી ક્યાંક જઈ રહ્યો હતો. લાંબો સમય વીતી ગયા બાદ પણ આરોપી લલિત અને બાળક પરત ન આવતા પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. આસપાસના ખેતરો, વાડી અને ગામમાં તપાસ છતાં બાળકનો પત્તો ન લાગતા આખરે પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો.
બનાવની ગંભીરતાને ધ્યાને લઈ અમરેલીના નાયબ પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઈની સૂચના હેઠળ અમરેલી એલ.સી.બી. પી.આઈ. સી.પી. વાઘેલા તથા અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનના પી.આઈ. ઓ.કે. જાડેજાએ અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી.
આરોપી પાસે મોબાઇલ ફોન ન હોવાથી પોલીસ સામે પડકાર હતો. મોટરસાયકલના નંબરને આધારે તપાસ શરૂ કરવામાં આવી હતી. અમરેલી જિલ્લા નેત્રમ શાખાની મદદથી વાહન અમરેલીથી રાજકોટ ગ્રામ્ય તરફ ગયું હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું હતું. ત્યારબાદ રાજકોટ ગ્રામ્ય જિલ્લા નેત્રમ શાખા તથા ગાંધીનગર સ્ટેટ કંટ્રોલ રૂમની ત્રીનેત્ર શાખાની મદદથી વાહનની હિલચાલ પર નજર રાખવામાં આવી હતી.
તપાસ દરમિયાન વાહનનો પત્તો જેતપુર ટાઉન તરફ મળતા પોલીસની ટીમો તાત્કાલિક ત્યાં પહોંચી હતી. જેતપુર વિસ્તારમાં વિવિધ CCTV કેમેરાના ફૂટેજ તપાસતા આરોપી રાજકોટ-પોરબંદર નેશનલ હાઇવે તરફ જતો હોવાનું જણાયું હતું. પોલીસે હાઇવે રૂટના ઈઈઝટ કેમેરા ઉપરાંત રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, હોટલો, કારખાનાં અને કંપનીઓ સહિતના સ્થળોએ તપાસ શરૂ કરી હતી.
સતત તપાસ દરમિયાન આરોપી વિરપુર ગામ તરફ ગયો હોવાનું ઈઈઝટ ફૂટેજ પરથી સામે આવ્યું હતું. ત્યાર બાદ પોલીસ ટીમોએ વિરપુર ગામની ઝૂંપડપટ્ટી, ધર્મશાળા, ભોજનાલયો, ગેસ્ટહાઉસ, હોટલો તેમજ આસપાસના વાડી-ખેતરોમાં રહેતા પરપ્રાંતીય મજૂરોની તપાસ કરી હતી. ચોક્કસ બાતમીના આધારે પોલીસે વિરપુર ગામ ખાતેથી આરોપી લલિતના કબજામાંથી પાંચ વર્ષના બાળકને હેમખેમ છોડાવી લીધું હતું.પોલીસે બાળકને સુરક્ષિત રીતે તેના માતા-પિતાને સોંપતા પરિવારજનોમાં રાહતની લાગણી પ્રસરી હતી. અપહરણના આ બનાવમાં પોલીસની પાંચ જેટલી ટીમોએ સતત આશરે ૧૫ કલાક સુધી કામગીરી કરી અને ૧૭૦થી વધુ ઈઈઝટ કેમેરાના ફૂટેજ તપાસી સફળતા મેળવી હતી.

