(નયના દવે દ્વારા)
Jamnagar તા.૧૦ઃ
Jamnagarમાં રહેતી ૩૦ વર્ષીય પરિણીતાએ પતિ સહિત સાસરિયાઓ સામે શારીરિક અને માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, લગ્નજીવન દરમિયાન પતિ નાની-નાની બાબતોમાં ઝઘડો કરી હાથ મરોડતા તેમજ ગાલ અને વાંસાના ભાગે થપ્પડ મારતા હતા. ઘર સંસાર જાળવી રાખવાની ઇચ્છાથી પરિણીતાએ આ ત્રાસ સહન કર્યો હતો.ફરિયાદી અસ્મીતાબાના લગ્ન મુથ્વીરાજસિંહ નટવરસિંહ રાઠોડ સાથે તા. ૭ ફેબ્રુઆરી, ૨૦૧૫ના રોજ સમાજના રીતરિવાજ મુજબ થયા હતા. લગ્ન બાદ બંને જામનગરમાં સંયુક્ત પરિવારમાં રહેતા હતા અને સંતાનમાં ૮ વર્ષની પુત્રી છે. છેલ્લા આશરે ત્રણ વર્ષથી પતિ દ્વારા શારીરિક તથા માનસિક ત્રાસ શરૂ થયાનો આક્ષેપ ફરિયાદમાં કરાયો છે.
ફરિયાદમાં વધુમાં જણાવ્યા મુજબ, આશરે બે વર્ષ પહેલાં પતિને પંક્તિ મહેતા નામની યુવતી સાથે મિત્રતાના સંબંધ હોવાની જાણ થતાં પરિણીતાએ પતિને પૂછપરછ કરી હતી. ત્યારે પતિએ યુવતી સાથે મિત્રતાના સંબંધો ચાલુ રાખવાની વાત કરી પરિણીતાને માનસિક ત્રાસ આપ્યો હોવાનો આક્ષેપ છે. આ અંગે સાસુ રાજેશ્રીબા, સસરા નટવરસિંહ અને મોટી સાસુને જાણ કરતાં તેમણે પણ પતિનો પક્ષ લઈ ઝઘડો કર્યો અને રહેવું હોય તો રહેવા તથા ન રહેવું હોય તો માવતરના ઘરે જતા રહેવા કહ્યું હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે.
આ પછી પરિણીતાએ માવતરના ઘરે આશરે પંદર દિવસ રોકાયા બાદ પતિ તેને પરત લઈ ગયા હતા. જોકે પતિના અન્ય યુવતી સાથેના મિત્રતાના સંબંધો ચાલુ રહ્યા હોવાનો આક્ષેપ છે. તા. ૫ મે, ૨૦૨૬ના રોજ ફરિયાદીનો જન્મદિવસ હોવાથી બંને બહાર જમવા ગયા હતા ત્યારે પણ પતિ ફોન પર પંક્તિ સાથે વાત કરતા હોવાનું જણાતા ફરી ઝઘડો થયો હતો. આ અંગે સાસુ-સસરાને જાણ કરતાં તેમણે ફરિયાદીના માતા-પિતાને બોલાવી તેને માવતરના ઘરે તેડી જવા કહ્યું હતું.ત્યારબાદ બંને વચ્ચે સમાધાન માટે મેડિયેશન સેન્ટરમાં આશરે ચાર વખત તારીખો પડી હોવા છતાં પતિ તરફથી સમાધાન માટે કોઈ કાર્યવાહી ન થતાં પરિણીતાએ મહિલા પોલીસ મથકમાં અગાઉ અરજી કરી હતી. કાઉન્સેલિંગ બાદ પણ કોઈ સમાધાનકારી રસ્તો ન નીકળતાં અંતે પરિણીતાએ પતિ, સાસુ, સસરા અને મોટી સાસુ સામે કાયદેસરની ફરિયાદ નોંધાવી છે.પોલીસે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૮૫, ૧૧૫(૨) અને ૫૪ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ફરિયાદમાં વિલંબનું કારણ પતિ સાથે સમાધાન કરીને ફરી સાથે રહેવાની ઇચ્છા હોવાનું પણ પરિણીતાએ જણાવ્યું છે.

