Ahmedabad,તા.૧૧
Gujarat High Court લગ્નના વચનના આધારે શારીરિક સંબંધ બાંધ્યા હોવાના આક્ષેપ સાથે યુવક સામે નોંધાયેલી એફઆઈઆર રદ કરી છે. હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, માત્ર એટલા માટે કે લાંબા સમય સુધી સંબંધ રહ્યા બાદ લગ્ન થયા નથી અથવા યુવકે લગ્ન કરવાનો ઇનકાર કર્યો છે, તેના આધારે શરૂઆતથી જ લગ્નનું ખોટું વચન આપવામાં આવ્યું હતું અને છેતરપિંડીનો ગુનાહિત ઈરાદો હતો એવું આપમેળે માની શકાય નહીં.
આ કેસની હકીકત મુજબ, યુવતી અને યુવક વચ્ચે જૂન ૨૦૨૩થી એપ્રિલ ૨૦૨૫ સુધી એટલે કે લગભગ બે વર્ષ સુધી સંબંધ રહ્યો હતો. યુવતીની ઉંમર ૩૭ વર્ષ હોવાનું પણ કોર્ટ સમક્ષ રજૂ થયેલી હકીકતોમાંથી સામે આવ્યું હતું. યુવતીએ આક્ષેપ કર્યો હતો કે યુવકે તેની સાથે લગ્ન કરવાનું વચન આપીને શારીરિક સંબંધ બાંધ્યા હતા અને બાદમાં લગ્ન કરવાનો ઇનકાર કર્યો હતો. આ આક્ષેપોના આધારે યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદમાં યુવતીએ એવો પણ ઉલ્લેખ કર્યો હતો કે, સંબંધ દરમિયાન બંનેએ સાથે અનેક વખત મુસાફરી કરી હતી અને અલગ-અલગ મહેમાનગૃહોમાં સાથે રોકાયા હતા. આ ઉપરાંત બંને વચ્ચે લગ્ન સાથે સંકળાયેલી મંગળસૂત્ર પહેરાવવાની વિધિ પણ યોજાઈ હોવાનું યુવતીએ જણાવ્યું હતું. એટલે કે ફરિયાદમાં દર્શાવેલી હકીકતો મુજબ બંને વચ્ચેનો સંબંધ માત્ર થોડા સમયનો કે એકાદ મુલાકાત પૂરતો મર્યાદિત નહોતો, પરંતુ લાંબા સમય સુધી ચાલુ રહ્યો હતો.
આ સમગ્ર મામલે યુવક તરફથી Gujarat High Courtમાં અરજી કરવામાં આવી હતી. અરજદાર તરફથી એફઆઈઆર તેમજ તેના આધારે ચાલી રહેલી ફોજદારી કાર્યવાહી રદ કરવાની માગ કરવામાં આવી હતી.
અરજદાર તરફથી વકીલ જીગ્નેશ નાયકે રજૂઆત કરી હતી કે, ફરિયાદમાં કરવામાં આવેલા આક્ષેપોને સમગ્ર રીતે જોવામાં આવે તો પણ યુવકનો શરૂઆતથી જ લગ્ન કરવાનો કોઈ ઇરાદો નહોતો અને માત્ર યુવતીને છેતરવાના હેતુથી લગ્નનું ખોટું વચન આપીને શારીરિક સંબંધ બાંધ્યો હતો એવું દર્શાવતું જરૂરી તથ્ય સામે આવતું નથી. બંને વચ્ચે લગભગ બે વર્ષ સુધી સંબંધ રહ્યો હતો અને આ દરમિયાન બંનેએ સાથે મુસાફરી કરી હતી, તેમજ સાથે સમય વિતાવ્યો હતો. તેથી સંબંધની શરૂઆતથી જ ગુનાહિત ઇરાદો હતો એવું કહી શકાય નહીં.
હાઈકોર્ટ સમક્ષ મુખ્ય પ્રશ્ન એ હતો કે, જો કોઈ વ્યક્તિ લગ્નનું વચન આપે અને ત્યારબાદ લગ્ન ન થાય, તો શું દરેક કિસ્સામાં તેને શરૂઆતથી જ ખોટું વચન માનીને ફોજદારી ગુનો ગણાવી શકાય? આ મુદ્દે હાઈકોર્ટે મહત્વપૂર્ણ અવલોકન કર્યું હતું કે, લગ્નનું વચન પૂર્ણ ન થયું હોવું અને શરૂઆતથી જ ખોટું વચન આપવામાં આવ્યું હોવું—બંને બાબતો એકસરખી નથી. કોર્ટ માટે એ જોવું જરૂરી છે કે વચન આપવામાં આવ્યું ત્યારે આરોપીનો શરૂઆતથી જ લગ્ન કરવાનો કોઈ ઇરાદો નહોતો કે નહીં.
કોર્ટે નોંધ્યું કે હાલના કેસમાં યુવક અને યુવતી વચ્ચેનો સંબંધ લાંબા સમય સુધી ચાલ્યો હતો. બંનેએ સાથે મુસાફરી કરી હતી, અલગ-અલગ સ્થળોએ સાથે રોકાયા હતા અને સંબંધ દરમિયાન સાથે સમય પણ વિતાવ્યો હતો. આવી હકીકતોને ધ્યાનમાં લેતા સમગ્ર સંબંધને શરૂઆતથી જ ખોટા લગ્નના વચન પર આધારિત સંબંધ તરીકે ગણાવી શકાય નહીં. હાઈકોર્ટે એ પણ ધ્યાનમાં લીધું કે ફરિયાદમાં દર્શાવેલી હકીકતો મુજબ સંબંધ જૂન ૨૦૨૩થી એપ્રિલ ૨૦૨૫ સુધી ચાલુ રહ્યો હતો. તેથી માત્ર સંબંધના અંતે લગ્ન કરવાનો ઇનકાર કરવામાં આવ્યો હોવાના આધારે યુવકનો શરૂઆતથી જ લગ્ન કરવાનો કોઈ ઇરાદો નહોતો અને તેણે માત્ર છેતરવાના હેતુથી વચન આપ્યું હતું એવું તારણ કાઢી શકાય નહીં. કોર્ટના અવલોકનનો મહત્ત્વનો ભાગ એ છે કે, લગ્ન ન થવું અને લગ્નનું ખોટું વચન આપવું એક જ બાબત નથી.
જો શરૂઆતથી જ લગ્ન કરવાનો કોઈ ઇરાદો ન હોવા છતાં માત્ર શારીરિક સંબંધ સ્થાપિત કરવા માટે ખોટું વચન આપવામાં આવ્યું હોય અને તે ખોટા વચનના આધારે સંમતિ મેળવવામાં આવી હોય, તો કાયદાકીય સ્થિતિ અલગ હોઈ શકે છે. પરંતુ જો બે વ્યક્તિઓ વચ્ચે લાંબા સમય સુધી સંબંધ સંમતિથી ચાલુ રહ્યો હોય અને ત્યારબાદ કોઈ કારણસર લગ્ન ન થયા હોય, તો માત્ર લગ્ન ન થવાના પરિણામથી જ શરૂઆતથી છેતરપિંડી કરવાનો અથવા ખોટું વચન આપવાનો ગુનાહિત ઇરાદો હતો એવું સાબિત થતું નથી.એડવોકેટ જીગ્નેશ નાયકે જણાવ્યું હતું કે, હાઈકોર્ટે આ સમગ્ર તફાવતને ધ્યાનમાં રાખીને હાલના કેસમાં યુવક સામે નોંધાયેલી એફઆઈઆર અને તેના આધારે ચાલી રહેલી ફોજદારી કાર્યવાહી રદ કરી છે.
કોર્ટના નિર્ણયથી સ્પષ્ટ થાય છે કે લગ્નના વચન સાથે જોડાયેલા દરેક સંબંધને એકસરખી રીતે જોવામાં આવી શકે નહીં અને દરેક કેસની હકીકતો તથા શરૂઆતના ઈરાદાનું અલગથી મૂલ્યાંકન જરૂરી છે. અહીં એ પણ સ્પષ્ટ છે કે આ ચુકાદાનો અર્થ એવો નથી કે લગ્નનું ખોટું વચન આપીને કોઈ વ્યક્તિ શારીરિક સંબંધ સ્થાપિત કરે તો તેની સામે કાયદાકીય કાર્યવાહી થઈ શકે નહીં. જો ફરિયાદ અને ઉપલબ્ધ સામગ્રીમાંથી એવું પ્રાથમિક રીતે સામે આવે કે આરોપીએ શરૂઆતથી જ લગ્ન કરવાનો કોઈ ઇરાદો ન હોવા છતાં માત્ર સંબંધ સ્થાપિત કરવા માટે ખોટું વચન આપ્યું હતું, તો કાયદા મુજબ કાર્યવાહી થઈ શકે છે. પરંતુ માત્ર એટલું કે સંબંધ તૂટી ગયો, લગ્ન થયા નહીં અથવા બાદમાં લગ્ન કરવાનો ઇનકાર કરવામાં આવ્યો, આટલી હકીકત માત્રથી શરૂઆતથી જ ગુનાહિત ઇરાદો હતો એવું માનવું યોગ્ય નથી. ગુજરાત હાઈકોર્ટે હાલના કેસમાં લાંબા સમય સુધી ચાલેલા સંમતિ આધારિત સંબંધ અને ફરિયાદમાં દર્શાવાયેલી અન્ય હકીકતોને ધ્યાનમાં રાખીને એફઆઇઆર રદ કરવાનો નિર્ણય કર્યો છે.

