પાંચ દિવસીય કામકાજની માંગ સાથે દેશભરમાં બેન્ક કર્મચારીઓની હડતાળ
(નયના દવે દ્વારા)
Jamnagar તા. ૧૧
પાંચ દિવસીય કામકાજની સપ્તાહ પદ્ધતિ લાગુ કરવાની સહિતની વિવિધ માંગણીઓને લઈને દેશભરના બેન્ક કર્મચારીઓ દ્વારા આજે એક દિવસીય હડતાળનું એલાન આપવામાં આવ્યું હતું. જેના પગલે જામનગર શહેર તથા જિલ્લામાં આવેલી વિવિધ બેન્કોની શાખાઓમાં પણ કર્મચારીઓ હડતાળમાં જોડાતા બેન્કિંગ કામગીરીને અસર પહોંચી હતી અને કરોડોના નાણાકીય વ્યવહારો અટકી ગયા હતા.
બેન્ક કર્મચારીઓ દ્વારા લાંબા સમયથી પાંચ દિવસીય કામકાજ સપ્તાહની માંગ સહિત વિવિધ પ્રશ્નોના ઉકેલ માટે રજૂઆતો કરવામાં આવી રહી છે. આ માંગણીઓના સમર્થનમાં આજે કર્મચારીઓ કામથી અળગા રહ્યા હતા. હડતાળને પગલે બેન્કોમાં રોકડ ઉપાડ-જમા, ચેક ક્લિયરિંગ સહિતની શાખાકીય કામગીરી પર સીધી અસર જોવા મળી હતી.
દરમિયાન આજે શુક્રવારની હડતાળ બાદ આવતીકાલે શનિવાર તથા ત્યારબાદ રવિવારની સાપ્તાહિક રજાના કારણે સતત ત્રણ દિવસ બેન્કિંગ કામગીરી પ્રભાવિત રહેશે. ઉપરાંત કેટલાક રાજ્યોમાં ગણેશ ચતુર્થી સહિતના તહેવારોની રજાઓને કારણે સોમવાર અને મંગળવારે પણ બેન્કો બંધ રહેવાની સ્થિતિ સર્જાઈ શકે છે. પરિણામે અનેક દિવસો સુધી બેન્કિંગ વ્યવહાર ખોરવાતા વેપારીઓ, ઉદ્યોગકારો તથા સામાન્ય ગ્રાહકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
જામનગરમાં ખાસ કરીને વેપારી વર્ગ અને ઉદ્યોગ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોના મોટા પ્રમાણમાં નાણાકીય વ્યવહારો બેન્કિંગ માધ્યમથી થતા હોવાથી સતત રજાઓ અને હડતાળના કારણે કરોડો રૂપિયાના વ્યવહારો પર અસર પડવાની શક્યતા છે. જોકે એટીએમ, ઓનલાઈન બેન્કિંગ અને ડિજિટલ પેમેન્ટ જેવી કેટલીક સેવાઓ ચાલુ રહેવાના કારણે ગ્રાહકોને આંશિક રાહત મળી શકે છે.

