(નયના દવે દ્વારા)
Jamnagar તા.૧૧
જામનગર શહેરના હર્ષદમીલની ચાલી મહાવીરનગર વિસ્તારમાં એક યુવાને નશાની હાલતમાં ઘરેથી નીકળી ગયા બાદ મંદિરની દિવાલમાં દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઈ લેતાં તેનું મૃત્યુ નીપજ્યું હતું.
આ બનાવ અંગે મળતી વિગતો મુજબ, હર્ષદમીલની ચાલી મહાવીરનગર વાલ્મીકીવાસ, રામદેવપીરના મંદિર પાસે રહેતા આકાશ બાબુભાઈ ઝાલા ઉંમર વર્ષ ૨૮ નામના યુવાને આજે વહેલી સવારે સાડા પાંચથી સાડા છ વાગ્યાના સમયગાળા દરમિયાન નશાની હાલતમાં બકવાસ કરી ઘરેથી બહાર નીકળી ગયો હતો. ત્યારબાદ પોતાને મનમાં લાગી આવતાં તેણે ઘરની સામે આવેલી શેરીમાં રામદેવપીરના મંદિરની દિવાલમાં દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. જેના કારણે તેનું મૃત્યુ નીપજ્યું હતું.
બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. આ અંગે જામનગર સીટી-એ ડિવિઝન પોલીસ મથકમાં બી.એન.એસ.એસ. કલમ ૧૯૪ મુજબ અકસ્માતે મોતનો ગુનો નોંધવામાં આવ્યો છે. બનાવ અંગેની તપાસ પો.હેડ કોન્સ્ટેબલ વાય.એન. સોઢા દ્વારા હાથ ધરવામાં આવી છે.

