સગીરાને ભાવનગર, રાજકોટ અને દ્વારકા લઈ જઈ અવારનવાર દુષ્કર્મ આચર્યાનો આક્ષેપ , જામનગર પરત ફરતા પોલીસના હાથે ઝડપાયો
(નયના દવે દ્વારા)
Jamnagar તા.૧૯ઃ
જામનગર શહેરના નવાગામ ઘેડ વિસ્તારમાંથી એક સગીરાનું અપહરણ કરી તેણીને ભાવનગર, રાજકોટ અને દ્વારકા સહિતના અલગ-અલગ સ્થળોએ લઈ જઈ અવારનવાર દુષ્કર્મ આચર્યાની ગંભીર ઘટના સામે આવી છે. બનાવ અંગે પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી આરોપી મહેશ ચાવડાની ધરપકડ કરવામાં આવી છે.
મળતી વિગતો મુજબ, નવાગામ ઘેડ વિસ્તારમાંથી સગીરાનું અપહરણ થયા બાદ આરોપી તેને પોતાની સાથે ભાવનગર, રાજકોટ, દ્વારકા સહિતના સ્થળોએ લઈ ગયો હતો. આ દરમિયાન અલગ-અલગ સ્થળોએ સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી.
ઘટનાની જાણ થતાં પીએસઆઈ આર.બી. ઠાકોર તથા તેમની ટીમે તપાસ હાથ ધરી આરોપી અને સગીરાની હિલચાલ અંગે તપાસ શરૂ કરી હતી. પોલીસની સતત વોચ અને તપાસ દરમિયાન આરોપી સગીરાને લઈને જામનગર પરત આવ્યો ત્યારે પોલીસે બંનેને ઝડપી લીધા હતા.
પોલીસે સગીરાને તાત્કાલિક તબીબી તપાસ માટે જામનગરની જી.જી. હોસ્પિટલ ખાતે મોકલી આપી હતી. બનાવની ગંભીરતાને ધ્યાને લઈ અગાઉ નોંધાયેલા અપહરણના ગુનામાં દુષ્કર્મ તથા પોક્સો કાયદા હેઠળની કલમોનો ઉમેરો કરવામાં આવ્યો છે.જ્યારે ભોગ બનનાર દલિત જ્ઞાતિ ના હોવાથી પોકસો ની કલમ નો પણ ઉમેરો કરાયો છે.જામનગરના એસ.સી.એસ.ટી. સેલ ની ટિમ દ્વારા આરોપી મહેશ ચાવડાની વિધિવત ધરપકડ કરી સમગ્ર બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

