(નયના દવે દ્વારા)
Jamnagar તા.૧૯ઃ
જામનગર શહેરમાં દાંડિયા હનૂમાન મંદિર સામે આવેલા ભાગમાંથી આશરે ૫૦ વર્ષની ઉંમરના એક અજાણ્યા પુરુષ બેભાન અવસ્થામાં મળી આવતા તેને સારવાર માટે જી.જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે હોસ્પિટલ ખાતે પહોંચતા તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા સીટી બી. ડિવિઝન પોલીસે મૃતદેહનો કબજો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી વિગતો મુજબ, દાંડિયા હનૂમાન મંદિર સામે આવેલા ભાગમાં આશરે ૫૦ વર્ષની ઉંમરનો એક અજાણ્યો પુરુષ બેભાન અવસ્થામાં પડેલો જોવા મળ્યો હતો. આ અંગેની જાણ થતાં સામાજિક કાર્યકર હિતેશગિરિ લાલગીરી સ્થળ પર પહોંચ્યા હતા અને માનવતાના ધોરણે બેભાન પુરુષને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા.
જોકે હોસ્પિટલ ખાતે પહોંચતા ફરજ પરના તબીબે તપાસ કર્યા બાદ અજાણ્યા પુરુષનું મૃત્યુ નિપજ્યું હોવાનું જાહેર કર્યું હતું. આ અંગેની જાણ પોલીસને કરવામાં આવતા સીટી બી ડિવિઝન પોલીસ મથકના પી.એસ.આઈ. આર.બી. ઠાકોરે મૃતદેહનો કબજો સંભાળી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસ દ્વારા મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું છે. હાલ મૃતદેહની ઓળખ થઈ શકી ન હોવાથી ઓળખ અને તેના વાલીવારસની શોધખોળ માટે મૃતદેહને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલના કોલ્ડરૂમમાં રાખવામાં આવ્યો છે.મૃતક પુરુષની ઓળખ થાય અથવા તેના વાલીવારસ મળી આવે તે માટે સીટી બી. ડિવિઝન પોલીસે જાહેર જનતાને અપીલ કરી છે. જો કોઈ વ્યક્તિને ઉપરોક્ત અજાણ્યા મૃતદેહ અંગે કોઈ માહિતી હોય અથવા મૃતકના વાલીવારસ અંગે જાણકારી હોય તો તેમણે સીટી બી. ડિવિઝન પોલીસ મથકનો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.

