(નયના દવે દ્વારા)
Jamnagar તા.૧૯ઃ
જામનગર જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા ચાલી રહેલી કાર્યવાહી અંતર્ગત પેરોલ ફર્લો સ્કવોડે વર્ષ ૨૦૧૮ના જમીન પચાવી પાડવાના કાવતરામાં નાસતા ફરતા આરોપીને રાજકોટ શહેરમાંથી ઝડપી પાડ્યો છે. જામનગર જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈનીની સૂચનાથી એલસીબી પીઆઈ વી.બી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ એસ્કોન્ડર/પેરોલ ફર્લો સ્કવોડના ઈન્ચાર્જ પીએસઆઈ એમ.વી. ભાટીયા તથા સ્ટાફ નાસતા ફરતા આરોપીઓની શોધખોળમાં હતો.
દરમિયાન પોલીસ સ્ટાફને મળેલી બાતમીના આધારે સિક્કા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં નાસતા ફરતા આરોપી અલ્તાફહસેન સન/ઓફ આબીદહસેન પીરમિયા સૈયદ, રહે. રઘુનંદન સોસાયટી, રાજકોટ, મૂળ રહે. સીંગસર ગામ, તા. સૂત્રાપાડા, જિ. ગીર સોમનાથ, રાજકોટ શહેરના ગેબનશાપીર રોડ પર હોવાની માહિતી મળી હતી. જેના આધારે પોલીસે સ્થળ પર તપાસ કરતાં આરોપી મળી આવતાં તેને ઝડપી પાડ્યો હતો અને આગળની કાર્યવાહી માટે સિક્કા પોલીસ સ્ટેશનને સોંપ્યો હતો.પોલીસના જણાવ્યા મુજબ વર્ષ ૨૦૧૮માં સિક્કા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વસઈ ગામે ફરિયાદીના વડિલોપાર્જિત ખેતીની જમીન પચાવી પાડવા માટે આરોપીએ પોતાના સાગરીતો સાથે મળી કાવતરું રચ્યું હતું. આ કાવતરામાં ખોટા સાક્ષીઓ ઊભા કરી ફરિયાદીના મરણ પામેલા પિતાના નામ સાથે મળતા નામ ધરાવતા અન્ય વ્યક્તિને જમીનના સાચા માલિક તરીકે દર્શાવી ખોટા દસ્તાવેજો તૈયાર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આ બનાવટી દસ્તાવેજોનો સાચા દસ્તાવેજ તરીકે ઉપયોગ કરી જમીન પચાવી પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે.
આ મામલે સિક્કા પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતાની કલમ ૧૨૦(બી), ૪૦૬, ૪૬૫, ૪૬૭, ૪૭૧, ૧૧૪ તથા એટ્રોસિટી એક્ટની કલમ ૩(૨)(૫), ૩(૧)(જી) હેઠળ ગુનો નોંધાયો હતો.આ કામગીરી પેરોલ ફર્લો સ્કવોડના પીએસઆઈ એમ.વી. ભાટીયા તથા એએસઆઈ ગોવિંદભાઈ ભરવાડ સહિતના પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

