Rajkot,તા.૨૦
રાજકોટ મહાનગરપાલિકાના જનરલ બોર્ડની બેઠક યોજાઈ હતી, જેમાં આવાસ યોજના, દબાણ સહિતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. જોકે, બેઠક દરમિયાન ભાજપના જ સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય કિશન ટીલવાએ મનપાના દબાણવાળા પ્લોટ પર દેશી દારૂ વેચાતો હોવાના આક્ષેપ કરતા ચર્ચા ગરમાઈ હતી. કોર્પોરેટર દ્વારા જાહેરમાં કરવામાં આવેલા આ આક્ષેપને પગલે મનપાની મિલકતોની દેખરેખ અને ત્યાં ચાલતી પ્રવૃત્તિઓનો મુદ્દો ચર્ચામાં આવ્યો હતો.
રાજકોટ મહાનગરપાલિકાના જનરલ બોર્ડની બેઠકમાં ભાજપના કિશન ટીલવાએ ઉઠાવેલા સવાલ મુજબ, અલગ-અલગ જાહેર માધ્યમો મારફતે તેમના ધ્યાનમાં આવતું હોય છે કે, રાજકોટ મહાનગરપાલિકાના પ્લોટ પરથી દેશી દારૂની કોથળીઓ તેમજ અન્ય વાંધાજનક વસ્તુઓ મળી આવે છે. આવી પ્રવૃત્તિઓ પર લગામ આવે અને મનપાની જમીનનો ગેરકાયદેસર ઉપયોગ ન થાય તે માટે તેમણે જનરલ બોર્ડમાં આ મુદ્દો રજૂ કર્યો હોવાનું તેમણે જણાવ્યું હતું.
બીજી તરફ, કોંગ્રેસના કોર્પોરેટર અને વિપક્ષના નેતા દીપ્તિબેન સોલંકીએ પણ આ મુદ્દાને સમર્થન આપી ગંભીર આક્ષેપો સાથે સવાલ ઉઠાવ્યા હતા. તેમના જણાવ્યા મુજબ, મનપાના ખાલી પ્લોટ તેમજ વાહન પાર્કિંગ માટે ભાડે આપવામાં આવેલી જગ્યાઓમાં વાહનોની આડમાં જુગાર અને સરકારી જમીન પર દેશી દારૂ પીવા જેવી પ્રવૃત્તિઓ થતી હોવાના આક્ષેપો સામે આવ્યા છે. આવી જગ્યાઓ પર મહાનગરપાલિકા દ્વારા નિયમિત ચેકિંગ થવું જોઈએ તેવી માગ દીપ્તિ સોલંકીએ કરી હતી.
જ્યારે આ સમગ્ર મામલે પાલિકા વતી મેયરે જવાબ આપતા કિશન ટીલવાને તેમની પાસે રહેલી તમામ માહિતી મ્યુનિસિપલ કમિશનરને આપવા જણાવ્યું હતું. મેયરના જણાવ્યા મુજબ, માહિતી મળ્યા બાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા આ અંગે તાત્કાલિક તપાસ અને જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. જોકે, મનપાના પ્લોટ પર ખરેખર આવી પ્રવૃત્તિ થઈ રહી છે કે નહીં તે અંગે તપાસ બાદ જ હકીકત સ્પષ્ટ થશે. ત્યારે હાલ તો મનપાના ખાલી પ્લોટમાં દારૂના વેચાણ સહિતની ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલતી હોવાના દાવા સામે આવતા આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.
નોંધનીય છે કે, રાજકોટ મનપાની આજની જનરલ બોર્ડની બેઠક દરમિયાન ભાજપના અન્ય કોર્પોરેટર મનીષ ભટ્ટ સહિતના સભ્યોએ પણ વિવિધ વિકાસ કામો અને વહીવટી મુદ્દાઓને લઈને અધિકારીઓને સવાલો કર્યા હતા. બેઠકમાં કુલ ૧૦ કોર્પોરેટરોએ ૨૫ પ્રશ્નો રજૂ કર્યા હતા, જેના જવાબ સંબંધિત અધિકારીઓ દ્વારા આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત બેઠકમાં ત્રણ ઠરાવો પણ મંજૂર કરવામાં આવ્યા હતા. બેઠકમાં માર્કેટ પોલિસીનો ઠરાવ પણ મહત્વનો રહ્યો હતો. ટ્રાફિકને અડચણરૂપ બનતા અને વધુ ટ્રાફિક ધરાવતા રસ્તાઓને ઓળખી ત્યાં લારી-ગલ્લા ઊભા રાખવા પર નિયંત્રણ લાવવાની વાત કરવામાં આવી છે. જોકે, લારી-ગલ્લા ધારકોની રોજગારીને ધ્યાનમાં રાખીને તેમને મનપાના ટીપી પ્લોટમાં વૈકલ્પિક જગ્યા ફાળવવાનો માનવીય અભિગમ પણ રાખવામાં આવ્યો હોવાનું જણાવાયું છે. આમ રાજકોટ મનપાની જનરલ બોર્ડમાં સત્તાપક્ષ તથા વિપક્ષ દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યા છે.

