આગલી રાત્રે બજારમાં દેખાયા બાદ અચાનક મોત,પોલીસ-એફએસએલની ટીમ પહોંચી
(મિલાપ રૂપારેલ દ્વારા)
Amreli તા.૨૦ઃ
સાવરકુંડલા તાલુકાના છાપરી ગામે ૩૨ વર્ષીય યુવકના રહસ્યમય મોતને લઈને પોલીસ તપાસ શરૂ થતાં સમગ્ર મામલો ચર્ચાસ્પદ બન્યો છે. જયદીપ સાવલિયા નામના યુવકનું એક દિવસ અગાઉ મોત થયું હતું. પરિવારજનો દ્વારા બીજા દિવસે સવારે તેમના અંતિમ સંસ્કાર પણ કરી દેવામાં આવ્યા હતા. જોકે, યુવકના મોતના સંજોગોને લઈને ઉઠેલા સવાલોના પગલે પોલીસે છાપરી ગામે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ છાપરી ગામના ૩૨ વર્ષીય જયદીપ સાવલિયા બે દિવસ પહેલા રાત્રિના સમયે ગામની બજારમાં જોવા મળ્યા હતા. ત્યારબાદ અચાનક તેમનું મોત થયું હોવાનું સામે આવ્યું હતું. રાત્રે બજારમાં જોવા મળેલા યુવકનું થોડા સમય બાદ અચાનક મોત કેવી રીતે થયું? તે સહિતના સવાલો હાલ ચર્ચાના કેન્દ્રમાં છે.
યુવકના મોત બાદ પરિવારજનો દ્વારા સવારે અંતિમવિધિ કરી બીજા દિવસે સવારે અગ્નિદાહ આપી દેવામાં આવ્યો હતો. જોકે, મોતને લઈને શંકાસ્પદ સંજોગો હોવાની ચર્ચા વચ્ચે સાવરકુંડલા રૂરલ પોલીસની ટીમ છાપરી ગામે પહોંચી હતી. પોલીસ સાથે એફએસએલની ટીમે પણ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળે છે.
યુવકનું મોત કુદરતી રીતે થયું છે કે પછી કોઈ અન્ય કારણોસર તેનું મોત થયું છે, તેમજ આ સમગ્ર ઘટનામાં હત્યાની કોઈ સંભાવના છે કે કેમ તે સહિતના વિવિધ પાસાંઓને ધ્યાનમાં રાખીને પોલીસે તપાસ શરૂ કરી છે. ઘટનાને પગલે ગામમાં પણ અનેક તર્ક-વિતર્ક વહેતા થયા છે.
છાપરી ગામે બનેલી આ ઘટનાને લઈને પોલીસ દ્વારા તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે, પરંતુ હાલ પોલીસ તરફથી મોતના ચોક્કસ કારણ અંગે કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી. પોલીસનું મૌન અને એફએસએલની તપાસને પગલે યુવકના મોતનું રહસ્ય વધુ ઘેરાયું છે. હવે પોલીસ તપાસમાં યુવકના મોતનું સાચું કારણ શું સામે આવે છે. તેના પર સૌની નજર મંડાઈ છે.

