માસૂમ બાળકોના દૂધના ગ્લાસમાં આજે કેમિકલ, યુરિયા, ડિટર્જન્ટ અને પામ ઓઈલનું જીવલેણ મિશ્રણ પીરસાઈ રહ્યું છે
Gandhinagar, તા.૨૧
ગુજરાતમાં સરકાર દ્વારા ‘સબકા સાથ, સબકા વિકાસ’ના નારા વચ્ચે નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડા થઈ રહ્યા છે. રાજ્યમાં સફેદ દૂધનો કાળો કારોબાર વ્યાપક બન્યો છે અને માત્ર ૬ મહિનામાં જ ૨૦ હજાર લીટરથી વધુ નકલી દૂધ ઝડપાઈ ચૂક્યું છે.માસૂમ બાળકોના દૂધના ગ્લાસમાં આજે કેમિકલ, યુરિયા, ડિટર્જન્ટ અને પામ ઓઈલનું જીવલેણ મિશ્રણ પીરસાઈ રહ્યું છે.
નવજાત શિશુઓ અને બાળકોના પોષણ માટે અનિવાર્ય ગણાતું દૂધ આજે લિવર અને કિડનીને નષ્ટ કરવાનું હથિયાર બની ગયું છે. ભેળસેળયુક્ત દૂધ પીવાથી પોઈઝનિંગ, લિવર ડેમેજ, હૃદય સંબંધી બીમારીઓ, બ્લડ પ્રેશર અને કેન્સર જેવી ગંભીર બીમારીઓનું જોખમ વધી જાય છે.‘ધ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડડ્ર્સ એક્ટ, ૨૦૦૬’ અંતર્ગત આજીવન કેદ અને ભારે દંડની જોગવાઈ કાગળ પર મજબૂત છે, પરંતુ નબળી તપાસ અને કાનૂની છટકબારીઓનો લાભ લઈને માફિયાઓ છટકી જાય છે.
તંત્ર દ્વારા લેવાતા થોડા સેમ્પલ માત્ર એક ઔપચારિક નાટક બની રહ્યા છે, જેના કારણે ભેળસેળિયાઓના આત્મવિશ્વાસમાં વધારો થયો છે.પ્રાકૃતિક ફેબ (ચરબી) દર્શાવવા માટે સસ્તા પામોલીન તેલ, સોયાબીન તેલ અથવા વનસ્પતિ ઘીનો મોટા પાયે ઉપયોગ થાય છે. તેને પાણીમાં ઓગાળીને દૂધ જેવું સફેદ પ્રવાહી બનાવવા માટે વોશિંગ પાવડર, લિક્વિડ સોપ કે શેમ્પૂ ઉમેરવામાં આવે છે. તેમજ લેક્ટોઝ અને એસ.એન.એફ.ની માત્રા જાળવવા યુરિયા, ખાંડ, ગ્લુકોઝ અને પ્રિઝર્વેટિવ તરીકે હાઇડ્રોજન પેરોક્સાઇડ કે ફોર્માલિન જેવા જોખમી કેમિકલ્સ પણ ભેળવવામાં આવે છે.

