અજાણ્યા શખ્સો દ્વારા એક બ્રોડકાસ્ટ ઈમેલ મોકલીને ગુજરાતના રાજકીય અને ધાર્મિક સ્થળોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે
Ahmedabad, તા.૨૨
ગુજરાત પ્રદેશ ભાજપ કાર્યાલય (કોબા) અને અમદાવાદ શહેર ભાજપ કાર્યાલયને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ભારે ખળભળાટ મચી ગયો છે. અજાણ્યા શખ્સો દ્વારા એક બ્રોડ ઇમેલ મારફતે આ ગંભીર ધમકી આપવામાં આવી છે. આ ધમકીભર્યા ઇમેલમાં માત્ર ગુજરાતના જ નહીં, પરંતુ ભાજપની સેન્ટ્રલ ઓફિસ અને પવિત્ર યાત્રાધામ સોમનાથ મંદિર સહિતના મહત્વના સ્થળોને પણ બોમ્બથી ઉડાવી દેવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ઘટનાને પગલે પોલીસ અને સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે અને ઇમેલ મોકલનારની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. ઈ-મેલ મારફતે અમદાવાદ શહેર પોલીસને જાણ થઈ હતી, જેથી પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે ભાજપ કાર્યાલય ખાતે પહોંચી અને ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે.
મેયર હિતેશ બારોટ અને શહેર મહામંત્રી ઉમંગભાઈ નાયક હાલમાં ભાજપ ખાનપુર કાર્યાલય ખાતે પહોંચ્યા છે. ગુજરાતમાં શાંતિ ડહોળવાનો અને દહેશત ફેલાવવાનો એક ગંભીર પ્રયાસ સામે આવ્યો છે. આ ઇમેઇલની શરૂઆતમાં અસલામુ વાલેકુમ, અલ્લાહુ અકબર લખીને ડરનો માહોલ ઊભો કરવાનો પ્રયાસ કરાયો છે. આ ધમકીભર્યા ઇમેઇલમાં ગુજરાતના આસ્થાના પ્રતીક સમાન સોમનાથ મંદિર, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપ સેન્ટ્રલ ઓફિસ, તમામ પોલીસકર્મીઓ અને દેશની ગુપ્તચર એજન્સી ઇછઉ ને નિશાન બનાવવાનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પત્રમાં એવો ચોંકાવનારો દાવો પણ કરવામાં આવ્યો છે કે આ અલગ-અલગ લોકેશન પર અગાઉથી જ બોમ્બ ફીટ કરી દેવામાં આવ્યા છે.
ધમકી આપનાર શખ્સે ઈમેઇલમાં દેશ વિરુદ્ધ ખુલ્લેઆમ ઝેર ઓક્યું છે. તેમાં હિન્દુસ્તાન મુર્દાબાદ અને ભાજપ મુર્દાબાદ જેવા શબ્દોનો ઉલ્લેખ કરાયો છે. આ ઉપરાંત, આ ષડયંત્ર પાછળ આતંકી કનેક્શન હોવાની આશંકા ઉપજાવતા પાકિસ્તાન ઝિંદાબાદ અને ખાલિસ્તાન ઝિંદાબાદના નારા પણ ઈમેઇલમાં લખવામાં આવ્યા છે. દહેશત ફેલાવવાના ઈરાદા સાથે ઇમેઇલના અંતમાં ફરીથી અલ્લાહુ અકબર લખાયું છે.
મળતી પ્રાથમિક માહિતી મુજબ, આ ધમકીભર્યા ઈમેલમાં રાજ્યના અને દેશના અનેક મહત્વના કેન્દ્રોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મુખ્યત્વે ગાંધીનગરના કોબા ખાતે આવેલ શ્રી કમલમ (ગુજરાત પ્રદેશ ભાજપ કાર્યાલય), અમદાવાદ શહેર ભાજપ કાર્યાલય અને ભાજપની સેન્ટ્રલ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની સીધી ધમકી અપાઈ છે. માત્ર રાજકીય કાર્યાલયો જ નહીં, પરંતુ કરોડો હિન્દુઓની આસ્થાના પ્રતીક સમાન પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મંદિરને પણ નિશાન બનાવવાની વાત આ ઈમેલમાં કરવામાં આવતા મામલો અત્યંત સંવેદનશીલ બની ગયો છે.
આ ધમકી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને બ્રોડકાસ્ટ ઈમેલ મારફતે આપવામાં આવી છે. એક સાથે અનેક સંસ્થાઓના સત્તાવાર ઈમેલ આઈડી પર આ મેઈલ મોકલવામાં આવ્યો છે. ઈમેલની ભાષા અને તેમાં દર્શાવેલા સ્થળોની ગંભીરતા જોતા સાયબર ક્રાઈમ એક્સપર્ટ્સ સક્રિય થયા છે. આ ઈમેલ કયા આઈપી (ૈંઁ) એડ્રેસ પરથી, કયા લોકેશનથી અને કયા સર્વર (અથવા ડાર્ક વેબ) નો ઉપયોગ કરીને મોકલવામાં આવ્યો છે, તેની ઝીણવટભરી ટેકનિકલ તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
આવી ગંભીર ધમકી મળતાની સાથે જ રાજ્યનું ગૃહ વિભાગ અને પોલીસ તંત્ર ત્વરિત એક્શનમાં આવી ગયું છે. ધમકીમાં ઉલ્લેખિત તમામ સ્થળો જેમ કે સોમનાથ મંદિર પરિસર અને ભાજપના પ્રદેશ તથા શહેર કાર્યાલયો ખાતે સુરક્ષા વ્યવસ્થા તાત્કાલિક ધોરણે સઘન કરી દેવામાં આવી છે. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (મ્ડ્ઢડ્ઢજી) અને ડોગ સ્ક્વોડની મદદથી આ સ્થળોએ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું હતું. શંકાસ્પદ હિલચાલ પર સીસીટીવી (ઝ્રઝ્ર્ફ) અને ઇન્ટેલિજન્સ મારફતે ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.

