(રવિ મોટવાણી દ્વારા)
Morbi તા.૨૧ઃ
વાંકાનેર મોરબી નેશનલ હાઈવે પર ટ્રકના ચાલકે પુરઝડપે ટ્રક ચલાવી આગળ જતી સીએનજી રીક્ષા અને બોલેરો ગાડીને પાછળથી ટક્કર મારી હતી જે અકસ્માતમાં રીક્ષામાંથી આધેડ નીચે પડી જતા ટ્રકનું ટાયર છાતીના ભાગે ફરી વળતા આધેડનું મોત થયું હતું
મૂળ જોડિયા તાલુકાના કોઠારિયા ગામ હાલ મોરબીના રફાળેશ્વર ગામે રહેતા જયાબેન દેવજીભાઈ રેસિયા (ઉ.વ.૪૩) વાળાએ ટ્રક જીજે ૩૬ ટી ૮૦૫૮ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૨૦ ના રોજ ફરિયાદીના પતિ દેવજીભાઈ બહુભાઈ રેસિયા રફાળેશ્વર ગામથી પોતાના ગામ કોઠારિયા પ્રસંગમાં જવા માટે રફાળેશ્વરથી સીએનજી રીક્ષા જીજે ૩૬ ડબલ્યુ ૧૭૬૮ પાછળ સીટમાં બેસીને મોરબી જવા નીકળ્યા હતા ત્યારે સાંજના ચારેક વાગ્યે ટ્રેઇલર ટ્રક જીજે ૩૬ ટી ૮૦૫૮ ના ચાલકે ટ્રક પુરઝડપે ચલાવી ફરિયાદીના પતિ બેસેલ તે રીક્ષા અને બોલેરોને પાછળથી ઠોકર મારી હતી
અકસ્માતને પગલે ફરિયાદીના પતિ દેવજીભાઈ રીક્ષામાંથી નીચે રોડ પર પડી ગયા હતા અને ટ્રક ટ્રેઇલરનું ટાયર ફરી વળતા છાતીના ભાગે અને કમર નીચેના ભાગે ગંભીર ઈજા પહોંચાડી મોત નીપજાવ્યું હતું મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે

