Rajkot તા.૨૧ઃ
પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં રેલ સંરક્ષા ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર ૦૬ રેલવેકર્મીઓને ડિવિઝનલ રેલવે મેનેજર (ડીઆરએમ) શ્રી ગિરિરાજ કુમાર મીના દ્વારા આજે ડીઆરએમ કચેરી, રાજકોટના કોન્ફરન્સ રૂમમાં પ્રશસ્તિ પત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઓપરેટિંગ વિભાગ અને વિદ્યુત (ટ્રેક્શન) વિભાગ સાથે સંકળાયેલા આ કર્મચારીઓને એપ્રિલ, મે અને જૂન ૨૦૨૬ દરમિયાન ફરજ પર અસાધારણ તકેદારી અને જવાબદારી દર્શાવી સંભવિત રેલ અકસ્માતો નિવારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા બદલ આ સન્માન આપવામાં આવ્યું છે.
રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી સુનિલ કુમાર મીનાના જણાવ્યા મુજબ, સન્માનિત થનાર કર્મચારીઓમાં શ્રી અમન કુમાર, ટ્રેન મેનેજર (માલગાડી), મુખ્ય મથકસુરેન્દ્રનગર; શ્રી હિમસાગર સતસિયા, સિનિયર આસિસ્ટન્ટ લોકો પાયલટ (માલગાડી), મુખ્ય મથકરાજકોટ; શ્રી સીતારામ જી ઘસવા, લોકો પાયલટ (માલગાડી), મુખ્ય મથકહાપા; શ્રી ગોપાલ સિંહ પરમાર, લોકો પાયલટ (માલગાડી), મુખ્ય મથકસુરેન્દ્રનગર; શ્રી સંદીપ રાજપૂત, લોકો પાયલટ (માલગાડી), મુખ્ય મથકહાપા તેમજ શ્રી રવિશ ચંદ્ર, લોકો પાયલટ (માલગાડી), મુખ્ય મથકહાપાનો સમાવેશ થાય છે.
આ કર્મચારીઓએ ફરજ દરમિયાન જાગરૂકતા દાખવીને અનેક મહત્વપૂર્ણ ટેકનિકલ ખામીઓની સમયસર ઓળખ કરી હતી. જેમાં ટ્રેનનો ચાર્જ સંભાળતી વખતે ટેન્ક વેગનમાં ક્ષતિ પકડવી, ટેન્ક વેગનનું ઢાંકણ ખુલ્લું હોવાનું ધ્યાને આવવું, ટેન્ક વેગનની સપોર્ટિંગ આઈ-બીમનું એક તરફનું વેલ્ડિંગ નીકળી લટકતી સ્થિતિમાં હોવાની ઓળખ કરવી તેમજ ટ્રેક નજીક કચરામાં લાગેલી આગ જોઈને તાત્કાલિક યાર્ડ માસ્ટરને જાણ કરવી સામેલ છે. આ ઉપરાંત, માલગાડીના વેગનની ચકાસણી દરમિયાન નકલ પિન તૂટેલી હોવાનું તેમજ હેંગિંગ પાર્ટની ઓળખ કરી તેને તાત્કાલિક દુરસ્ત કરાવવી એ પણ આ કર્મચારીઓની સતર્કતાના મુખ્ય ઉદાહરણો છે.
આ પ્રસંગે ડીઆરએમ શ્રી ગિરિરાજ કુમાર મીનાએ સન્માનિત કર્મચારીઓને અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે, તેમની સતર્કતા, ત્વરિત નિર્ણય ક્ષમતા અને કર્તવ્યનિષ્ઠા સમગ્ર ડિવિઝનના કર્મચારીઓ માટે પ્રેરણારૂપ છે. તેમણે ઉમેર્યું હતું કે, રેલ સંરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને આ પ્રકારની સજાગતા અને જવાબદારીપૂર્ણ કાર્યપદ્ધતિ અકસ્માતો અટકાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
આ કાર્યક્રમમાં એડિશનલ ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી બ્રિજેશ કુમાર સિંહ, સિનિયર ડિવિઝનલ સેફ્ટી ઓફિસર શ્રી સી.આર. ગરુડા, સિનિયર ડિવિઝનલ ઓપરેટિંગ મેનેજર શ્રી આશિષ ધાનિયા તેમજ સિનિયર ડિવિઝનલ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર (ટ્રેક્શન) શ્રી મનોજ કુમાર રાવ ઉપસ્થિત રહ્યા હતા.

